VIDEO: રામ મંદિર ટ્રસ્ટ પાસે કેટલા રૂપિયા? નવા CEO જીતેન્દ્ર મિશ્રા કરશે 5 મોટા કામ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિર (Ram Mandir)ના સંચાલન સાથે જોડાયેલા ટ્રસ્ટમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. ટ્રસ્ટની રચના થયાના લગભગ છ વર્ષ બાદ આ પ્રકારનું મોટું વહીવટી માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે.
જીતેન્દ્ર મિશ્રા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO બન્યા છે. તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે મંદિરના વહીવટ, દાન-ચઢાવાની વ્યવસ્થા અને સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વધુ મજબૂત દેખરેખની જરૂરિયાત અનુભવાઈ રહી હતી.
CEOની ચર્ચા ક્યાંથી શરૂ થઈ?
રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલી કેટલીક વ્યવસ્થામાં ખામીઓ અને ચઢાવાની રકમમાં ગેરરીતિના આક્ષેપો બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. એસઆઈટી (SIT)ની પ્રાથમિક તપાસમાં ચઢાવો ગણતરી રૂમ (Counting Room)માં દેખરેખ, સીસીટીવી (CCTV) વ્યવસ્થા અને પ્રવેશ પ્રક્રિયા સાથે જોડાયેલી કેટલીક ખામીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ પછી મંદિર જેવી મોટી ધાર્મિક સંસ્થાના રોજિંદા વહીવટ માટે સંપૂર્ણ સમયના વ્યાવસાયિક અધિકારીની જરૂરિયાત અંગે ચર્ચા તેજ બની હતી. CEOની નિમણૂકથી ધાર્મિક નિર્ણય અને વહીવટી કામગીરી વચ્ચે જવાબદારીનું વધુ સ્પષ્ટ વિભાજન થઈ શકે છે.
CEO બન્યા બાદ શું બદલાશે?
અત્યાર સુધી રામ મંદિરની વિવિધ વ્યવસ્થાઓ ટ્રસ્ટના પદાધિકારીઓ, સમિતિઓ અને અલગ-અલગ અધિકારીઓ દ્વારા સંભાળવામાં આવતી હતી. હવે CEOની આગેવાની હેઠળ રોજિંદા વહીવટ માટે વધુ કેન્દ્રિત (Centralized) વ્યવસ્થા ઊભી થવાની શક્યતા છે.
આ વ્યવસ્થામાં વિભાગવાર જવાબદારી નક્કી કરવી, નાણાકીય દેખરેખ રાખવી, કર્મચારીઓનું સંચાલન, શ્રદ્ધાળુઓની સુવિધા અને મંદિર પરિસરમાં ચાલી રહેલા પ્રોજેક્ટની દેખરેખ જેવા કાર્યો વધુ વ્યવસ્થિત રીતે થઈ શકે છે.
CEO જીતેન્દ્ર મિશ્રાના 5 મોટા કામ
1. ચઢાવા અને દાનનું સંચાલન:
મંદિરમાં આવતા દાન અને ચઢાવાની રકમમાં પારદર્શિતા જાળવવા માટે વધુ મજબૂત એકાઉન્ટિંગ સિસ્ટમ (Accounting System) લાગુ કરવાની જવાબદારી રહેશે. આ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને નાણાકીય નિષ્ણાતોની મદદ લેવામાં આવી શકે છે.
2. લગભગ 1500થી 2000 કર્મચારીઓની દેખરેખ:
મંદિરની સુરક્ષા, સફાઈ, વ્યવસ્થાપન અને અન્ય સેવાઓ સાથે જોડાયેલા લગભગ 1500થી 2000 કર્મચારીઓના કામની દેખરેખ અને સંકલન CEOની મહત્વની જવાબદારી રહેશે.
3. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામની દેખરેખ:
રામ મંદિર પરિસરમાં બાકી રહેલા બાંધકામના કામોને સમયસર પૂર્ણ કરાવવા ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure)ની જાળવણી, CCTV નેટવર્ક અને અન્ય સુવિધાઓની દેખરેખ પણ મહત્વપૂર્ણ રહેશે.
4. શ્રદ્ધાળુઓની સુવિધા અને ભીડ વ્યવસ્થાપન:
રામ મંદિર ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. તહેવારો અને ખાસ પ્રસંગોએ ભીડ વધે ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને ક્રાઉડ મેનેજમેન્ટ (Crowd Management) અને શ્રદ્ધાળુઓની અવરજવરનું આયોજન કરવાનું રહેશે.
5. ટ્રસ્ટ અને સરકાર વચ્ચે સંકલન:
CEO ટ્રસ્ટ બોર્ડ અને તેના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કામ કરશે. સાથે જ રાજ્ય સરકાર, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન (Coordination) કરીને મંદિર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કાર્યોને આગળ વધારવાની જવાબદારી પણ રહેશે.
રામ મંદિર ટ્રસ્ટ પાસે કેટલા રૂપિયા છે?
ટ્રસ્ટની બેઠક દરમિયાન નાણાકીય વર્ષ 2025-26નો વાર્ષિક હિસાબ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપલબ્ધ વિગતો અનુસાર આ સમયગાળા દરમિયાન ટ્રસ્ટને આશરે 237 કરોડ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે લગભગ 91 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
મંદિર નિર્માણ સહિત વિવિધ કામો પાછળ આશરે 425 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું પણ જણાવાયું હતું. આ ઉપરાંત 21 માર્ચ 2026 સુધી રામ મંદિર ટ્રસ્ટના બેંક ખાતામાં આશરે 1882 કરોડ રૂપિયા જમા હોવાનું બેઠકમાં રજૂ કરાયેલા હિસાબમાં જણાવાયું હતું.
નવા CEOની નિમણૂક બાદ હવે ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થા, મંદિરનું સંચાલન, કર્મચારી વ્યવસ્થાપન અને શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં વધુ વ્યાવસાયિક અને કેન્દ્રિત કાર્યપદ્ધતિ જોવા મળે તેવી શક્યતા છે.

