Himachal Pradesh news: હિમાચલ પ્રદેશના ચંબામાં મૂશળધાર વરસાદ, 2નાં મોત, ભૂસ્ખલનથી 39 રસ્તાઓ બંધ

Himachal Pradesh news: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રવિવાર (20મી જુલાઈ) રાત્રે શરૂ થયેલા મૂશળધાર વરસાદ બાદ આભ ફાટવાની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. ચંબાના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવા અને ભૂસ્ખલનને કારણે કુલ 39 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત પાવર ટ્રાન્સફોર્મર બંધ કરાતા ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદના કારણે અનેક મકાનોને નુકસાન
અહેવાલો અનુસાર, ચંબામાં ભારે વરસાદને કારણે અનેક ઘરોને નુકસાન થયું છે, જેમાં એક કાચું ઘર ધરાશાયી થયું છે અને બે પાકા ઘરોને આંશિક નુકસાન થયું છે. સૌથી દુ:ખદ ઘટના મૈહલા વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં ભૂસ્ખલનને કારણે એક ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. બંને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ચંબા મોકલવામાં આવ્યા છે. જંગરા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે મકાઈના પાકને નુકસાન થયું છે. નોંધનીય છે કે, તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ છે.
પીવાની પાણીની તંગી સર્જાઈ
વરસાદને કારણે 62 પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે, જેના કારણે હજારો લોકો પીવાના પાણીની તંગી સર્જાઈ છે. વહીવટીતંત્રે આ વિસ્તારોમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓમાં સોમવારે (21મી જુલાઈ) વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, મંડી, સોલન અને સિરમૌરમાં ઓરેન્જ એલર્ટ અને ચંબા, કુલ્લુ અને શિમલા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મંગળવાર (22મી જુલાઈ) સોલન, સિરમૌર અને બુધવારે (23મી જુલાઈ) ઉના અને બિલાસપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે.

