'...તો પછી જિલ્લા મેજીસ્ટ્રેટ -SPએ રાજીનામું આપી દેવું પડે': સંભલમાં નમાજ મુદ્દે હાઈકોર્ટની નારાજગી

અલાહાબાદ હાઈકોર્ટે સંભલની મસ્જિદમાં નમાઝ અદા કરનારાઓની સંખ્યા મર્યાદિત કરવાના વહીવટી આદેશને રદ કર્યો છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે જો પોલીસ અધિક્ષક (SP) અને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અસમર્થ હોય તો તેમણે કાં તો રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો ટ્રાન્સફર માગી લેવી જોઈએ.
અલાહાબાદ હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જો સ્થાનિક અધિકારીઓ DM-SPને લાગતું હોય કે જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે અથવા જો તેઓને લાગે કે તેઓ કાયદાનું શાસન જાળવવામાં અસમર્થ છે તો તેમણે કાં તો તેમના સંબંધિત કાર્યાલયો છોડી દેવા જોઈએ અથવા સંભલની બહાર ટ્રાન્સફર માંગી લેવી જોઈએ.
હાઈકોર્ટે આ કેસ દરમિયાન નોંધ્યું કે, દરેક પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ખાતરી કરવી રાજ્યની ફરજ છે. કોર્ટે નોંધ્યું કે અગાઉ એક કેસમાં ખાનગી મિલકત પર પૂજા અથવા નમાજ કરવા માટે સરકાર પાસેથી પૂર્વ પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. રાજ્ય સરકારે આ મામલે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે, જ્યારે અરજદારે નમાજ ક્યાં કરવામાં આવે છે તે ચોક્કસ સ્થાન ઓળખવા માટે ફોટોગ્રાફ્સ અને મહેસૂલ રેકોર્ડ સબમિટ કરવા માટે સમય માંગ્યો છે.
સંભલ કેસ મુદ્દે હવે આગામી સુનાવણી 16 માર્ચે નક્કી કરવામાં આવી છે. તેને 'નવા કેસ' તરીકે સૂચિબદ્ધ કરવામાં આવશે. આ અરજી મુનાઝીર ખાન દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં યુપી સરકાર તેમજ સંભલના ડીએમ અને એસપીને પ્રતિવાદી તરીકે દર્શાવ્યા હતા. આ મામલાની સુનાવણી જસ્ટિસ સિદ્ધાર્થ નંદન અને જસ્ટિસ અતુલ શ્રીધરનની બનેલી ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે વહિવટી તંત્રે મસ્જિદની અંદર નમાજ અદા કરનારા લોકોની સંખ્યા મર્યાદિત રાખવાનો આદેશ જારી કર્યો હતો. આ આદેશને પડકારતી એક અરજી દાખલ કરવામાં આવી હતી, અને ત્યારબાદ હાઈકોર્ટે વહીવટીતંત્રના નિર્દેશને રદ કરી દીધો હતો.

