સંભલની મસ્જિદ તૂટશે, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગૌસુલવારા મસ્જિદ તોડી પાડવામાં આવશે. સંભલમાં ચાલી રહેલ દબાણ હટાવવાની કામગીરી બાબતે મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે મસ્જીદના ભાગો તોડી પાડવા પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આ અરજી સંભલની ગૌસુલવારા મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. વહીવટીતંત્રનો આરોપ છે કે મસ્જિદ સમિતિએ તળાવની જમીન પર મસ્જિદ બનાવી છે.
શુક્રવારની જુમ્માની નમાજ પછી સંભલ જિલ્લામાં મુસ્લિમ સમુદાયના સદસ્યોએ જ હથોડા અને સાધનોનો ઉપયોગ કરી સરકારી જમીન પર બનેલી મસ્જિદની દિવાલ તોડી પાડવા માટે કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર બાંધકામ પર વહીવટીતંત્ર દ્વારા ચાલી રહેલા કડક કાર્યવાહી બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, સંભલમાં તળાવ અને સરકારી જમીન પર બનેલી મસ્જિદને તોડી પાડવાનો મામલો અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. અગાઉ આ બાબતે રજાના દિવસે પણ કોર્ટમાં કાર્યવાહી થઈ હતી.
ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર સતત તબાહી મચાવી રહ્યા છે. પહેલા ધરમપુરા મસ્જિદ અને હવે સંભલના રાયબુજુર્ગ ગામમાં સરકારી જમીન પર બનેલા ગેરકાયદેસર બાંધકામો સામે તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે. 2 ઓક્ટોબરના રોજ, એક મેરેજ હોલ અને એક મદરેસા તોડી પાડવામાં આવ્યા હતા. ગેરકાયદેસર મસ્જિદ સામે પણ કાર્યવાહી ચાલી રહી છે.

