Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Former Collector Rajendra Patel bail application rejected from ed court

Ahmedabad news: પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલને ED કોર્ટમાંથી ઝટકો, જામીન અરજી કરાઈ નામંજૂર

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલને ED કોર્ટમાંથી ઝટકો, જામીન અરજી કરાઈ નામંજૂર
સોર્સ : GSTV

જમીન કૌભાંડ કેસમાં સુરેન્દ્રનગર તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલને ઈડી કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. રાજેન્દ્ર પટેલે અમદાવાદમાં ઈડીની સ્પેશિયલ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે નામંજૂર કરી છે. મહત્વનું છે કે રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હતા તે દરમિયાન જમીન NA કરવામાં ગેરરીતી આચરી હોવાનો આરોપ છે. ઈડીની ચાર્જશીટમાં જમીન NA કરવાના કૌભાંડમાં 10 કરોડનો આંકડો સામે આવ્યો છે. રાજેન્દ્ર પટેલ બે મહિનાથી જેલમાં બંધ છે. ઈડીની સ્પેશિયલ કોર્ટે નિયમિત જામીન અરજી ફગાવતા તેઓ હવે હાઇકોર્ટમાં અરજી કરે તેવી શક્યતા છે. 

App Store

જાણો શું હતો સમગ્ર મામલો? 

સુરેન્દ્રનગરમાં ખેતીની જમીનને NA (બિનખેતી) કરાવવાના મોટા પાયે ચાલેલા ખેલમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. આ કૌભાંડની ગંભીરતાને જોતા EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની જમીન બિનખેતી કરવાના બદલામાં મોટી રકમની લેતી દેતી થઈ હતી. આ મામલે અગાઉ સુરેન્દ્રનગર એસીબી (ACB)માં પણ ભ્રષ્ટાચાર નિરોધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

ગાંધીનગર સ્થિત નિવાસે EDના ધામા

 EDની ત્રણ અલગ-અલગ ટીમો રાજેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછમાં અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા, જેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય અધિકારીઓ પણ રડારમાં

માત્ર કલેક્ટર જ નહીં, પરંતુ આ કૌભાંડમાં સામેલ અન્ય કર્મચારીઓ સામે પણ સકંજો કસાયો છે. આ કેસમાં અગાઉ ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), મયૂર ગોહિલ (કલેક્ટર ઓફિસ ક્લાર્ક) અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત મદદનીશ) સામે પણ ગુના નોંધાયા હતા. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે.

સરકારે અગાઉ જ કરી હતી બદલી

કૌભાંડની ગંધ આવતા અને તપાસ શરૂ થતા જ રાજ્ય સરકાર દ્વારા રાજેન્દ્ર પટેલની સુરેન્દ્રનગરથી તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જોકે, EDએ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના પાસાઓની તપાસ ચાલુ રાખી હતી, જેનો અંત ધરપકડમાં પરિણમ્યો હતો.