VIDEO: મતદાર યાદીમાં ભારે ગોટાળો? શિવસેના (UBT) આવતીકાલે રસ્તા પર ઉતરશે, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આક્ષેપો!
મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયાને લઈને વિપક્ષે ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના સાંસદ અનિલ દેસાઈએ ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી છે. આ સાથે જ પંચના વલણ સામે આવતીકાલે વિશાળ વિરોધ મોર્ચો યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણી પંચના ખુલાસા પર સવાલ
સાંસદ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયાને લગતા અનેક ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે, જેમાંથી એક પણ મુદ્દાનું ચૂંટણી પંચ દ્વારા યોગ્ય ખંડન કરવામાં આવ્યું નથી. ચૂંટણી પંચના બે જવાબદાર અધિકારીઓએ આ બાબતે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ પંચ દ્વારા પત્રકાર પરિષદ તો બોલાવવામાં આવી, પરંતુ લોકો અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી ચોક્કસ ચિંતાઓ અંગે કોઈ સ્પષ્ટતા કે જવાબ આપવામાં આવ્યો નહોતો.
મહારાષ્ટ્રમાં 2 કરોડ મતદારોના નામ ડિલીટ થયાનો દાવો
અનિલ દેસાઈએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, દરેક રાજ્યમાં SIR પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાઈ છે તે તપાસનો વિષય છે. મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા તેમણે દાવો કર્યો કે, "રાજ્યમાં આશરે 9 કરોડ જેટલા મતદારો છે, જેમાંથી લગભગ 2 કરોડ મતદારોના નામ યાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે. લોકોમાં ભારે રોષ છે અને મતદારોમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે."
જવાબદારી નક્કી કરી રાજીનામું આપવાની માંગ
આ ગંભીર ભૂલો માટે જવાબદારી કોની તેવો પ્રશ્ન ઉઠાવતા તેમણે ઉમેર્યું કે, લોકશાહીમાં પારદર્શિતા જળવાઈ રહેવી જોઈએ અને આ લોલંલોલ માટે કોઈકે તો જવાબદારી સ્વીકારવી જ પડશે. મુખ્ય ચૂંટણી કમિશનરે આ ગંભીર ક્ષતિઓની નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ચૂંટણી પંચની આ કથિત બેદરકારી અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આવતીકાલે ઉદ્ધવ જૂથ દ્વારા આકરો વિરોધ મોર્ચો યોજવામાં આવશે.

