VIDEO: મતદારોનું હાઇજેકિંગ અને આધાર લિંકિંગ: દિલ્હીના વિરોધ પ્રદર્શન વચ્ચે BRS નેતાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો!
દિલ્હીના જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે વિપક્ષી દળો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વરિષ્ઠ નેતા જીવન રેડ્ડીએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓ આચરીને વિરોધ પક્ષોના મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
'ભાજપ સિવાયના તમામ પક્ષો વિરોધમાં'
હૈદરાબાદ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં જીવન રેડ્ડીએ જણાવ્યું હતું કે, "ભાજપ સિવાય લગભગ તમામ રાજકીય પક્ષો આજે આ મુદ્દે રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. જે રીતે મતદારોનું જાણે હાઇજેકિંગ કરવામાં આવી રહ્યું છે તે અત્યંત ગંભીર બાબત છે. ખાસ કરીને એવા મતદારોના નામો યાદીમાંથી રદ કરવામાં આવી રહ્યા છે, જેઓ ભાજપની વિરુદ્ધમાં છે."
'મમતા બેનર્જી જેવા નેતાઓને હટાવવાની રણનીતિ'
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ઉલ્લેખ કરતાં તેમણે દાવો કર્યો હતો કે, "મમતા બેનર્જી હારી જાય તેવો કોઈ સવાલ જ નહોતો. તેઓ છેલ્લા 40-50 વર્ષથી લોકનેતા તરીકે સેવા આપી રહ્યા છે, તેમણે સંઘર્ષ કરીને પોતાની કારકિર્દી બનાવી છે અને વિસ્તારનો વિકાસ કર્યો છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવા કદાવર નેતાઓને હટાવવા માટે આખી દેશભરમાં આ પ્રકારની રણનીતિ અમલમાં મૂકવા માંગે છે. હવે તેમનો અસલી ચહેરો જનતા સામે ખુલ્લો પડી ગયો છે."
મતદાર યાદીમાં ડુપ્લિકેશન અટકાવવા યોગ્ય વ્યવસ્થા જરૂરી
ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારી મંજૂરીથી જ કાર્ડ્સ આપવામાં આવે છે, તેથી સિસ્ટમમાં કોઈ ડુપ્લિકેશન (બેવડા મત) ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ, જેથી કોઈપણ નાગરિક માત્ર એક જ જગ્યાએ મતદાન કરી શકે અને પારદર્શિતા જળવાઈ રહે.

