VIDEO: રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ: અલકનંદા અને મંદાકિની નદીઓ ગાંડીતુર
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અલકનંદા અને મંદાકિની નદીઓનું જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકો અને પ્રવાસીઓ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અલકનંદા નદીનું જળસ્તર ૬૨૩.૧૦ મીટર સુધી પહોંચી ગયું છે, જે ચેતવણીના સ્તરની નજીક છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. પ્રશાસને યાત્રિકો અને સ્થાનિકોને નદીના પટથી દૂર રહેવાની કડક સૂચના આપી છે. ભારે વરસાદને પગલે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે, જેના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે સહિતના માર્ગો વારંવાર અવરોધાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી કરી છે, જેને જોતા સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓને મુસાફરી દરમિયાન સાવચેતી રાખવા અને લેટેસ્ટ અપડેટ્સ મેળવતા રહેવા અપીલ કરવામાં આવી છે.

