VIDEO: ગુરુગ્રામ પાણીમાં ગરકાવ! રણદીપ સુરજેવાલાનો ભાજપ પર મોટો પ્રહાર: 'IT હબને ફ્લડ હબ બનાવી દીધું!'
હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી જળબંબાકારની ગંભીર સ્થિતિ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ રાજ્યની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પર આકરા પ્રહારો કર્યા છે.
સુરજેવાલાએ જણાવ્યું હતું કે, "છેલ્લા 12 વર્ષથી ભાજપે ગુરુગ્રામને કચરાપેટી, ગટર અને પૂરગ્રસ્ત શહેર બનાવી દીધું છે. મુખ્યમંત્રી નાયબ સૈનીએ 1400 કરોડ ખર્ચવાના મોટા દાવા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતા એ છે કે સ્કૂલ બસો પૂરના પાણીમાં તણાઈ રહી છે. માસૂમ બાળકો 6-6 કલાક સુધી પાણીમાં ફસાયેલા રહ્યા અને રડતા રહ્યા, જેને આખરે ક્રેનની મદદથી બહાર કાઢવા પડ્યા. રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકો નોકરી-ધંધે જઈ શકતા નથી."
દેશના અગ્રણી IT હબની સ્થિતિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ભારતનું IT હબ હવે 'ફ્લડ હબ' બની ચૂક્યું છે. સરકાર દ્વારા વર્ક ફ્રોમ હોમના આદેશ જારી કરવા પર તેમણે ઉમેર્યું કે, "ગુરુગ્રામના પ્રવેશદ્વાર પર જ એક મોટું બોર્ડ લગાવી દેવું જોઈએ કે અહીં રહેતા કે આવતા દરેક વ્યક્તિએ માત્ર વર્ક ફ્રોમ હોમ કરવું અને ઘરની બહાર ન નીકળવું." તેમણે ગુરુગ્રામમાં વ્યાપક ભ્રષ્ટાચારને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવતા ત્રિપલ એન્જિન સરકારની જવાબદેહી ક્યારે નક્કી થશે તેવો સવાલ ઉઠાવ્યો હતો.

