ઇથેનોલ ઉત્પાદકો માટે ખુશખબર: કેન્દ્ર સરકારે ₹ 4687 કરોડની સબસિડી મંજૂર કરી

Ethenol News : કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ હેઠળ યોગ્ય ઇથેનોલ પ્રોજેક્ટ્સ માટે રુ.4687 કરોડની સબસિડી મંજૂર કરી છે, એમ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના રાજ્યકક્ષાના પ્રધાન સુરેશ ગોપીએ સંસદમાં જણાવ્યું હતું. રાજ્યસભામાં ગોપીએ જણાવ્યું હતું કે આ સબસિડીનું ધ્યેય ઇથેનોલ ઉત્પાદનમાં રોકાણને પ્રોત્સાહન આપવાનું છે, જેથી ભારતમાં ઇથેનોલ મિશ્રણનો કાર્યક્રમ આગળ વધે.
આ સ્કીમ સરકારની ઉર્જા સુરક્ષામાં વધારો કરવાનો, ક્રૂડ ઓઇલની આયાત પરનું અવલંબન ઘટાડવાનો અને ક્લીનર ટ્રાન્સપોર્ટ ફ્યુઅલને વેગ આપવાની વ્યાપક વ્યૂહરચનાનો હિસ્સો છે. રાજ્યસભામાં લેખિત જવાબમાં ગોપીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ને 2022-23થી 2075 કરોડ રુપિયા જારી કર્યા છે. નાબાર્ડ વ્યાજ રાહત પૂરી પાડતી નોડલ એજન્સી છે.
સરકારના આ પગલાંનું ધ્યેય જૈવિક ઇંધણના ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત બનાવવાનું છે. ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનું છે. તેની સાથે ઇકોફ્રેન્ડલી ઇંધણને વેગ આપવાનું છે. સરકારના ઇથેનોલ પ્રમોશન કાર્યક્રમ હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટને વર્ષે છ ટકા સુધી વ્યાજરાહત અથવા તો બેન્કો અને નાણા સંસ્થાઓ દ્વારા વસૂલાતા વ્યાજમાં 50 ટકા રાહત બંનેમાંથી જે ઓછું હોય તે પાંચ વર્ષ સુધી આપશે. આ ફાયદો ડિસ્ટીલરીઝ માટે નવી ટર્મ લોન લેનારાઓને પણ મળશે અથવા ઇથેનોલ ઉત્પાદન માટેના વર્તમાન એકમનું વિસ્તરણ કરવા માંગનારાઓને મળશે. તેમા લોન ચૂકવણી માટે એક વર્ષની રાહતનો પણ સમાવેશ થાય છે.
આ સ્કીમ મોલાસીસ, અનાજ આધારિત અને ડયુઅલ ફીડ ડિસ્ટીલરીઝને આવરી લે છે. તેની સાથે ઇથેનોલ ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરે છે. સરકારે આપેલી વ્યાજ સબસિડી ઇથેનોલ વેલ્યુ ચેઇનમાં રોકાણને પ્રોત્સાહન આપવાના વ્યાપક નીતિગત માળખાનો હિસ્સો છે. પીએમ જી-વન યોજના હેઠળ સરકાર બીજી પેઢીના બાયોઇથેનોલ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સમર્થન અને વાયેબિલિટી ગેપ ફંડિંગ પૂરુ પાડે છે. તેમા કાચા માલ તરીકે કૃષિ ક્ષેત્રની પતરાળી અને અન્ય બાયોમાસ ઉપયોગમાં લેવાય છે.
સરકારે આ ઉપરાંત મકાઈ અને શેરડીના અવશેષો સાથે બગડેલા અનાજનું પ્રોસેસિંગ કરી શકે તે માટે કોઓપરેટિવ સુગર મિલ્સને સિંગલ ફીડસ્ટોક ડિસ્ટિલરીઝને મલ્ટી ફીડસ્ટોક ડિસ્ટિલરીઝમાં રુપાંતરિત કરવા અલગ વ્યાજ માફીની યોજના જાહેર કરી છે. આટલું ઓછું હોય તેમ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) પ્રોગ્રામ પર જીએસટી પણ રાહત દરે ફક્ત પાંચ ટકા લગાડવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની કંપનીઓ લાંબા ગાળાના કરાર કરતી હોવાથી માંગના મોરચે કોઈ ચિંતા નથી.

