VIDEO: ભાજપ નેતાઓ પર કૌભાંડના આરોપથી વિદેશ નીતિ સુધી... કોંગ્રેસે જાહેર કર્યો સંસદનો આક્રમક એજન્ડા
સંસદના આગામી સત્ર પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસ સંસદીય દળ (CPP)ની બેઠક બાદ પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદ જયરામ રમેશે એક પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ આ સત્રમાં જનતાને સ્પર્શતા અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર સરકાર પાસે જવાબ માંગશે.
પાર્ટીના એજન્ડા અંગે માહિતી આપતાં જયરામ રમેશે જણાવ્યું હતું કે, "અમે સંસદમાં એવા અનેક મુદ્દાઓ ઉઠાવવાના છીએ જે સીધા દેશની જનતા સાથે જોડાયેલા છે. ખાસ કરીને અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના દાનમાં થયેલી ચોરી અને લોકોની આસ્થા સાથે થયેલા વિશ્વાસઘાતનો મુદ્દો અમે પ્રમુખતાથી ઉઠાવીશું. આ મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ભાજપ અને આરએસએસ (BJP-RSS) દ્વારા અયોધ્યામાં જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેને અમે સંસદમાં ચોક્કસપણે ઉજાગર કરીશું."
તેમણે ઉમેર્યું કે, રામ મંદિર ઉપરાંત દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો NEET પરીક્ષાનો મુદ્દો પણ વિપક્ષનો મુખ્ય એજન્ડા રહેશે. આ સાથે જ ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને તેમના પુત્રોની સંડોવણી ધરાવતા કથિત 'E20 કૌભાંડ' પર પણ કોંગ્રેસ સંસદમાં વિસ્તૃત ચર્ચાની માંગ કરશે.
દેશના આંતરિક મુદ્દાઓ સિવાય વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા નવા પડકારો અંગે પણ કોંગ્રેસ ચિંતા વ્યક્ત કરી છે. જયરામ રમેશના જણાવ્યા અનુસાર, ચીન અને અમેરિકા સાથે ભારતના સંબંધોની વર્તમાન સ્થિતિ તેમજ છેલ્લા બે મહિનામાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં વણસેલી પરિસ્થિતિ પર પણ સંસદમાં સરકારને સવાલો પૂછવામાં આવશે. વિપક્ષના આક્રમક વલણને જોતાં આગામી સંસદ સત્ર ભારે તોફાની બની રહેવાના એંધાણ છે.

