VIDEO: "સ્કૂલને તાળા મારો અને પ્રિન્સિપાલને..." હૈદરાબાદની શાળામાં ધાર્મિક હોમવર્ક અપાતા ભાજપ નેતા કેમ ભડક્યા?
તેલંગાણાના હૈદરાબાદમાં એક સ્કૂલના હોમવર્કને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સઈદાબાદ વિસ્તારમાં આવેલી 'સક્સેસ, ધ સ્કૂલ' (Success, The School)માં ધોરણ 2ના વિદ્યાર્થીઓને કથિત રીતે ધાર્મિક હોમવર્ક આપવામાં આવ્યું હતું. શાળાની શિક્ષિકા શેખ આયેશા પરવીન પર આરોપ છે કે તેમણે હિન્દુ બાળકોને ઇસ્લામિક 'કલમા' લખીને લાવવાનું હોમવર્ક આપ્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ હિન્દુ સંગઠનો અને ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટનાના વિરોધમાં ભાજપના નેતા અંડેલા શ્રીરામુલુ યાદવ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ શાળાની બહાર એકત્ર થઈને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન હિંસક બને તે પહેલાં જ પોલીસે ભાજપ નેતા અંડેલા શ્રીરામુલુ યાદવ અને અન્ય કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ નેતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "શાળામાં કલમા કઈ રીતે ભણાવી શકાય? આ કેવા પ્રકારનું શિક્ષણ છે? આ સ્કૂલને તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ અને પ્રિન્સિપાલને હટાવવા જોઈએ. ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીરમાં કલમા ન પઢવા બદલ લોકોની હત્યાઓ કરવામાં આવી હતી. શું તેઓ બાળકોને અત્યારથી જ આ બધું શીખવી રહ્યા છે? આ સંસ્થાની પાંચ-છ શાળાઓ ચાલે છે, તે તમામને તાળા મારી દેવા જોઈએ અને આમાં સામેલ તમામ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ."
હાલમાં આ મામલે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જાગી છે અને શાળા પ્રશાસન સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. તણાવને જોતા શાળાની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

