VIDEO: દર વર્ષે બિહાર ડૂબે છે અને સરકાર તમાશો જુએ છે! પૂર વચ્ચે તેજસ્વી યાદવે ખોલી સરકારની પોલ
બિહારમાં ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિને લઈને રાજ્યમાં રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અગ્રણી નેતા તેજસ્વી યાદવે રાજ્યની નીતિશ કુમાર સરકાર અને કેન્દ્રની એનડીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પૂરની કટોકટી માટે બંને સરકારોની નિષ્ફળતા અને ઉદાસીનતાને સીધી રીતે જવાબદાર ગણાવી છે.
પૂરની વર્તમાન સ્થિતિ અંગે મીડિયા સાથે વાતચીત કરતાં તેજસ્વી યાદવે જણાવ્યું કે, "સૌથી પહેલા લોકોના જીવન અને સંપત્તિનું રક્ષણ થવું જોઈએ અને હાલમાં બચાવ તેમજ રાહત કામગીરી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પરંતુ દર વર્ષે ચોમાસામાં બિહારમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. લાખો લોકો ઘરબાર ગુમાવે છે અને હાલાકી ભોગવે છે."
સરકારની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવતાં તેમણે ઉમેર્યું, "અમે વારંવાર માગ કરી છે કે પૂરની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. કેન્દ્ર અને બિહાર સરકાર આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. બંને સરકારો આટલા લાંબા સમયથી સત્તામાં છે છતાં બિહારને પૂરમુક્ત બનાવવા માટે આજ સુધી કોઈ ગંભીર યોજના કે ઉચ્ચ સ્તરીય બેઠક સુદ્ધાં યોજવામાં આવી નથી."
ઉલ્લેખનીય છે કે, બિહારમાં ગંગા, કોસી અને અન્ય નદીઓ ગાંડીતૂર બનતાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે ત્યારે વિપક્ષે કાયમી આયોજનના અભાવે સામાન્ય જનતા ભોગ બની રહી હોવાનો મોટો આરોપ મૂકીને સરકારને ભીંસમાં લીધી છે.

