VIDEO: "અમારા માટે ભાવનાત્મક, ભાજપ માટે રાજકીય મુદ્દો", વંદે માતરમ વિવાદ પર કે.સી. વેણુગોપાલનો ભાજપ પર પ્રહાર
કોંગ્રેસ મુખ્યાલય ખાતે 'વંદે માતરમ'ના ગાનને લઈને સર્જાયેલા વિવાદ પર કોંગ્રેસના જનરલ સેક્રેટરી (સંગઠન) કે.સી. વેણુગોપાલે સ્પષ્ટતા કરતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ માટે રાષ્ટ્રગીત અને વંદે માતરમ સન્માન તેમજ ભાવનાત્મક બાબત છે, જ્યારે ભાજપ તેનો ઉપયોગ માત્ર રાજકીય હથિયાર તરીકે કરે છે.
કે.સી. વેણુગોપાલે પરિસ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ મુખ્યાલયમાં જે કંઈ પણ બન્યું તે માત્ર એક 'કોમ્યુનિકેશન ગેપ' હતો, તેનાથી વિશેષ કંઈ નહીં. ત્યાં શું બન્યું હતું તે અંગે અમારી સ્થિતિ એકદમ સ્પષ્ટ છે અને તે પ્રકરણ હવે પૂરું થઈ ચૂક્યું છે. ભાજપ પેપર લીક અને અન્ય મહત્વના રાષ્ટ્રીય પ્રશ્નો પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે આ વિવાદને જાણીજોઈને હવા આપી રહ્યું છે. વંદે માતરમને લઈને કોંગ્રેસ અને સત્તા પક્ષ વચ્ચે વિવાદ ચાલુ છે. આ મુદ્દાને લઈને બુધવારે કોંગ્રેસ કાર્ય સમિતિમાં ચર્ચા થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં કેટલાક નેતાઓએ 1937 ના પાર્ટીના સ્ટેન્ડને દોહરાવ્યું છે. એનો મતલબ એ છે કે, કોંગ્રેસ 1937ના વર્ઝન (પહેલા બે પેરા) ને જ પોતાના કાર્યક્રમોમાં ગાશે. જયરામ રમેશે કહ્યું કે, 'વંદે માતરમ પર એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. જ્યારે એ પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો તો, CWCની બેઠકમાં મહાત્મા ગાંધી, પંડિત નેહરૂ, સરદાર પટેલ, સુભાષ ચંદ્ર બોઝ, મૌલાના આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય નરેન્દ્ર દેવ અને અન્ય નેતાઓ હાજર હતા.'
રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી પ્રસ્તાવ પાસ
તેમણે આગળ કહ્યું, 'રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી જ એ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો, અને આજે તેના પર ચર્ચા થઈ. કોંગ્રેસ અધ્યક્ષે એ પ્રસ્તાવના કેટલાક અંશ પણ વાંચ્યા. આમાં કોઈ વિવાદ નથી, આને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.' અમારું સ્ટેન્ડ પહેલા દિવસથી બિલકુલ સ્પષ્ટ રહ્યું છે, 28 ઓક્ટોબર 1937નું જે વર્ઝન છે, 24 જાન્યુઆરી 1950 બંધારણ સભાની આખરી બેઠકમાં, ડૉ. રાજેન્દ્ર પ્રસાદે દોહરાવ્યું હતું કે, જન-ગણ-મન રાષ્ટ્રીય ગાન હશે અને વંદે માતરમ રાષ્ટ્રીય ગીત હશે.
વસ્તી ગણતરીના પ્રશ્નાવલી પત્રકમાં ઓબીસી (OBC) કોલમની ગેરહાજરી અંગેના વિવાદ પર કોંગ્રેસના જનરલ સેક્રેટરી (સંગઠન) કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે, "હા! અમે તે મુદ્દે પણ ચર્ચા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે ભારતના વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો. મને લાગે છે કે અમે આ બાબતે ખૂબ જ ચિંતિત છીએ. આના દ્વારા તેમનો ઈરાદો એકદમ સ્પષ્ટ જણાય છે. તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીને જ નિષ્ફળ બનાવવા માંગે છે. તેઓ દેશની જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે. અમને ભારત સરકાર પાસેથી સ્પષ્ટતા જોઈએ છે; અમને વડાપ્રધાન પાસેથી સ્પષ્ટતા જોઈએ છે. જાતિ આધારિત વસ્તી ગણતરીમાં આ પ્રકારની છેતરપિંડી કેમ થઈ રહી છે? મને લાગે છે કે અમે આ મુદ્દો ફરીથી ઉઠાવવા જઈ રહ્યા છીએ."

