"અમારા ઘર પાસે ગાળો કેમ બોલો છો?" આટલું કહેતા જ ઉશ્કેરાયેલા ટોળાએ મચાવ્યો તાંડવ, અમદાવાદની ખૌફનાક ઘટના!

અમદાવાદમાં શહેરકોટડાના મેમ્કો પાટિયા સ્થિત નગરની ચાલીમાં 4 ઓગસ્ટની મોડી રાત્રે અંદરોઅંદર ઝઘડો કરી રહેલા શખસોને ઘર પાસે ગાળાગાળી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ટોળાએ એક પરિવારના ઘર પર અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં એક યુવતી સહિત 3થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્તો તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આખી રાત અસામાજિક તત્ત્વોએ બાઇકો પર ફરી વિસ્તારમાં ધાક જમાવવાનો પ્રયાસ કરતાં સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
શહેરકોટડામાં અસામાજિક તત્ત્વોનો પરિવાર પર પથ્થરમારો
આ સમગ્ર મામલે સૈજપુર બોઘા ખાતે રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પિનાકીન અંબાલાલ જાદવ (ઉં.વ. 43)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અંબિકાનગરની ચાલીમાં રહેતા પપ્પુ રાઠોડ, સંજય રાઠોડ, બોબી રાઠોડ, બબલુ રાઠોડ, કરણ ડોડિયા, આશિષ રાઠોડ, સાહિલ ઉર્ફે પેપ્સી પરમાર અને આર્યન પરમાર સહિતના કુલ 8 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી હતી. આ ટોળાએ ફરિયાદીના પરિવાર અને પાડોશીઓ સાથે ગાળાગાળી કરી, માર મારી તેમજ ઈંટો છૂટી મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન તોડી નાખી, જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.
ગત 4 ઑગસ્ટના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ ફરિયાદીનો પરિવાર જમીને ઊંઘી રહ્યો હતો, ત્યારે ઘરની નીચે અંબિકાનગરની ચાલીના કેટલાક લોકો જોરજોરથી ગાળો બોલી રહ્યા હતા. ફરિયાદી અને તેમની પત્ની મનીષાબહેને નીચે જઈને ઘર પાસે ગાળો ન બોલવા અને જેની સાથે ઝઘડો હોય તેને જઈને કહેવા ઠપકો આપ્યો હતો. આ સાંભળીને અચાનક ઉશ્કેરાયેલા ટોળાએ તેમની સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. બાજુમાં મકાનનું બાંધકામ ચાલુ હોવાથી આરોપી પપ્પુ રાઠોડે ત્યાંથી ઈંટ લઈને છૂટી મારતા ફરિયાદીની 17 વર્ષીય દીકરીને કપાળના ભાગે વાગી હતી.
આ દરમિયાન ટોળાએ ચાલીના અન્ય લોકો પર પણ ઈંટોનો મારતા કલ્પેશભાઈ સુતરિયા નામના વ્યક્તિને પણ માથામાં ઈંટ વાગી હતી. જ્યારે ફરિયાદી 108ને ફોન કરી રહ્યા હતા ત્યારે અન્ય આરોપીઓએ તેમને માર મારી મોબાઈલ તોડી નાખ્યો હતો. આ પછી રાત્રે બારેક વાગ્યાની આસપાસ આ ટોળાએ હોસ્પિટલ ખબર કાઢવા જતા સંજયભાઈ નામના અન્ય એક પાડોશીને પણ આંતરીને માર માર્યો હતો. હાલ પોલીસે તમામ 8 આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

