મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: દેશભરમાંથી 6 કરોડ અને 4 રાજ્યોમાંથી 22 લાખ મતદારોના નામ કટ

SIR Voter List Update 2026 : મતદાતા યાદી સુધારણા માટે ચલાવવામાં આવી રહેલા SIR (Spec

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: દેશભરમાંથી 6 કરોડ અને 4 રાજ્યોમાંથી 22 લાખ મતદારોના નામ કટ
આ સમાચાર સાંભળો

SIR Voter List Update 2026 : મતદાતા યાદી સુધારણા માટે ચલાવવામાં આવી રહેલા SIR (Special Intensive Revision) અભિયાન હેઠળ ચૂંટણી પંચે ચાર રાજ્યોની ડ્રાફ્ટ મતદાતા યાદી જાહેર કરી દીધી છે. ઓડિશા, મણિપુર, મિઝોરમ અને સિક્કિમમાં SIR અભિયાન હેઠળ 22 લાખથી વધુ લોકોના નામ મતદાતા યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી પંચનું કહેવું છે કે, જે લોકોના નામ ડ્રાફ્ટ લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે, તેમને પોતાનું નામ ફરીથી સામેલ કરાવવા માટે એક તક આપવામાં આવશે. ત્યારબાદ જ આ રાજ્યોની અંતિમ મતદાતા યાદી જાહેર કરાશે.

ચૂંટણી પંચે ગયા વર્ષે જૂન મહિનામાં આ વિશેષ સુધારણા એટલે કે SIR અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન બિહાર, બંગાળ, અસમ અને યુપી જેવા રાજ્યોમાં પહેલેથી જ પૂર્ણ થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચ પાછલા એક વર્ષમાં આ અભિયાન ચલાવીને દેશભરમાંથી અંદાજે 6 કરોડ જેટલા નામો હટાવી ચૂક્યું છે.

SIR હેઠળ અત્યાર સુધીમાં કેટલા લોકોના નામ કપાયા?

સ્પેશિયલ રિવિઝન અંતર્ગત વિવિધ રાજ્યોમાં મોટા પાયે નામો ડિલીટ કરવામાં આવ્યા છે.

  • બિહાર: 65 લાખ મતદારોના નામ કાપવામાં આવ્યા.
  • પશ્ચિમ બંગાળ: 37 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવાયા.
  • ઉત્તર પ્રદેશ (UP): 25 લાખ મતદારોના નામ ડિલીટ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કુલ 13 રાજ્યોમાં અંદાજે 6 કરોડ લોકોના નામ વોટર લિસ્ટમાંથી SIR હેઠળ હટાવી દેવામાં આવ્યા છે. હાલમાં ચૂંટણી પંચ અન્ય 16 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વોટર લિસ્ટને નવેસરથી તૈયાર કરવા માટે SIR અભિયાન ચલાવી રહ્યું છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ આ અભિયાન ચાલુ છે.

શા માટે ચલાવવામાં આવી રહ્યું છે SIR અભિયાન?

મતદારોની વૈધતા (Legitimacy) તપાસવા માટે આ SIR અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે મે 2026માં પોતાના એક ચુકાદામાં આ પ્રક્રિયાને યોગ્ય ઠેરવી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચને મતદાતા યાદીની સુધારણા કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

જોકે, તાજેતરમાં જ ઈન્ડિયા (INDIA) ગઠબંધનમાં સામેલ 23 વિપક્ષી પાર્ટીઓએ SIR મામલે ચીફ જસ્ટિસને એક પત્ર લખ્યો છે. આ પક્ષોનો આરોપ છે કે, SIR ની પ્રક્રિયા પારદર્શક નથી, અને આ અભિયાન મનસ્વી રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો