ચૂંટણી જંગ: 3 વાગ્યા સુધીમાં બંગાળમાં 79 ટકા - તમિલનાડુમાં 70 ટકા બંપર મતદાન, આસનસોલમાં ભાજપ ઉમેદવાર પર હુમલો

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાળઝાળ ગરમી હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે બંને રાજ્યોમાં મતદાનના આંકડા આશ્ચર્યજનક રીતે ઊંચા રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, બપોરે 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં (કુલ 152 બેઠકો) 78.77% મતદાન નોંધાયું છે. જ્યારે તમિલનાડુમાં 70 ટકા મતદાન નોંધાયું છે. પશ્ચિમ બંગાળમાં આ તબક્કે કુલ 1478 ઉમેદવારોના ભાવિનો નિર્ણય જનતા કરી રહી છે.
આસનસોલમાં તણાવ, અગ્નિમિત્રા પોલની ગાડી પર પથરાવ
મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હોવાના દાવા વચ્ચે પશ્ચિમ બંગાળના આસનસોલ સાઉથ વિધાનસભા વિસ્તારમાં હિંસાની ઘટના સામે આવી છે. ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલે આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ વિવિધ બૂથની મુલાકાતે હતા, ત્યારે તેમની ગાડી પર પથરાવ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમની ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને તેમના સુરક્ષાકર્મી તથા પર્સનલ આસિસ્ટન્ટને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અગ્નિમિત્રા પોલે આ ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવી ચૂંટણી પંચ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.
અભિનેતા વિશાલની અપીલ: "દરેક વોટ કિંમતી છે
તમિલનાડુમાં પણ સેલિબ્રિટીઝ અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. લોકપ્રિય અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડીએ પોતાનો વોટ આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "મેં મારું કર્તવ્ય નિભાવ્યું છે. જે લોકો હજુ ઘરે છે, તેઓ બહાર આવે અને મતદાન કરે. લોકશાહીમાં દરેક વોટની પોતાની કિંમત હોય છે.

