VIDEO: નોટોના અંબાર, લક્ઝરી વિલા અને સોનું-ચાંદી... ACBના દરોડામાં DSPનું કરોડોનું સામ્રાજ્ય બહાર આવ્યું
તેલંગાણામાં (Telangana) ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ની કાર્યવાહી દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ ડીએસપી (DSP) ભીમ રેડ્ડી સાથે જોડાયેલા લોકોના ઠેકાણાઓ પરથી મોટી માત્રામાં રોકડ અને સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. ACBની તપાસમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની કથિત બેનામી સંપત્તિ (Benami Property) સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર અને બેનામી સંપત્તિને લઈને ફરી સવાલો ઉભા કર્યા છે.
DSPના નજીકના લોકોના 10 ઠેકાણે દરોડા
ACBએ ગુરુવારે સસ્પેન્ડેડ DSP ભીમ રેડ્ડી સાથે જોડાયેલા આઠ કથિત બેનામીદારોના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધર્યું હતું. હૈદરાબાદ અને ઝહીરાબાદમાં કુલ 10 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓને કથિત બેનામી સંપત્તિ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન બોમ્મા વેંકટેશ નામના વ્યક્તિના ઘરેથી 1.35 કરોડ રૂપિયા રોકડા, વિદેશી ચલણ (Foreign Currency) અને આશરે 14 લીટર વિદેશી દારૂ મળી આવ્યો હતો. રોકડની મોટી રકમ મળતા ACB અધિકારીઓએ તેની તપાસ વધુ તેજ કરી છે.
300 કરોડની કથિત બેનામી સંપત્તિનો દાવો
આ મામલામાં અગાઉ પણ ACBએ મોટી કાર્યવાહી કરી હતી. 2 જુલાઈના રોજ DSP ભીમ રેડ્ડી સાથે જોડાયેલા 16 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તે તપાસ દરમિયાન આશરે 300 કરોડ રૂપિયાની કથિત બેનામી સંપત્તિ હોવાનો ખુલાસો થયો હતો.
આ સંપત્તિમાં લક્ઝરી વિલા (Luxury Villa), અનેક ફ્લેટ, 50 એકરથી વધુ જમીન, સોનું અને રોકડ રકમનો સમાવેશ થતો હોવાની માહિતી સામે આવી હતી. ACB હવે આ સંપત્તિઓ ખરેખર કોના નામે છે અને તેની ખરીદી માટે નાણાં ક્યાંથી આવ્યા તેની તપાસ કરી રહી છે.
વિદેશી દારૂની જાણકારી આબકારી વિભાગને અપાઈ
દરોડા દરમિયાન મળેલા આશરે 14 લીટર વિદેશી દારૂ અંગેની માહિતી ACBએ આગળની કાર્યવાહી માટે આબકારી વિભાગ (Excise Department)ને આપી છે. અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલી રોકડ, દસ્તાવેજો અને અન્ય સંપત્તિની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ACBની તપાસનો મુખ્ય હેતુ કથિત બેનામી સંપત્તિના વાસ્તવિક માલિકો અને તેના માટે વપરાયેલા નાણાંના સ્ત્રોત (Source of Funds) અંગે માહિતી મેળવવાનો છે.
જુલાઈમાં શરૂ થઈ હતી મોટી તપાસ
જુલાઈ 2026માં ACBની તપાસ દરમિયાન DSP ભીમ રેડ્ડી સાથે જોડાયેલા ઠેકાણાઓ પરથી કરોડોની સંપત્તિ મળી હોવાનો દાવો થયા બાદ તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગ (Money Laundering) સંબંધિત કેસ નોંધાયો હતો. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ નાણાકીય લેવડદેવડની તપાસ શરૂ કરી હતી.
EDની તપાસમાં સંપત્તિના વાસ્તવિક માલિક કોણ છે, મિલકતો ખરીદવા માટે કયા નાણાંનો ઉપયોગ થયો અને આ નાણાંનો સ્ત્રોત શું હતો જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ACB અને EDની આગળની તપાસમાં આ કથિત સંપત્તિ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

