VIDEO: ‘દમન સામે નહીં ઝૂકીએ’, દિલ્હીથી ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનનો અમેરિકા-ઈઝરાયલને સીધો પડકાર
ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને શુક્રવારે નવી દિલ્હીમાં અમેરિકા અને ઈઝરાયલ સામે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ઈરાન કોઈપણ પ્રકારની દાદાગીરી કે દમન સામે ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે તેહરાન પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે મક્કમતાથી ઊભું રહેશે. નવી દિલ્હીમાં ધાર્મિક ગુરુઓ, બુદ્ધિજીવીઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓને સંબોધતા પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાન ગલ્ફ ક્ષેત્રમાં શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ઈચ્છે છે, પરંતુ દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરનાર વિદેશી તાકાતોનો કડક સામનો કરવામાં આવશે.
અમેરિકા-ઈઝરાયલ પર ગંભીર આરોપ
પેઝેશ્કિયાને અમેરિકા અને ઈઝરાયલી દળો પર નાગરિકો તથા માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દક્ષિણ ઈરાનમાં એક શાળા નજીક થયેલા અમેરિકન હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે સૈન્ય કાર્યવાહી સૈનિકો સામે થવી જોઈએ, હોસ્પિટલો, પાયાની સુવિધાઓ અને સામાન્ય લોકોની આજીવિકા સામે નહીં.
ઈરાનમાં પુરવઠાની અછત ઊભી કરીને લોકો શરણાગતિ સ્વીકારી લેશે તેવા દાવાઓનો જવાબ આપતા પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાનની જનતા કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં અને શરણાગતિ સ્વીકારશે નહીં.
PM મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક
બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચેલા પેઝેશ્કિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપરાંત ભારત-ઈરાનના દ્વિપક્ષીય સંબંધો અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી.
પેઝેશ્કિયાને ભારત સાથે વેપાર, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.
BRICSમાં સ્થાનિક ચલણ પર ભાર
બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સંબોધન દરમિયાન ઈરાનના પ્રમુખે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ઈરાન પ્રાદેશિક ઊર્જા અને ખાદ્ય પુરવઠા માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર બની શકે છે. ભારત સાથે આર્થિક અને વ્યાપારી સહયોગ વધારવા અંગે પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

