Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Don't count our patience as weakness', Youth's Maha Andolan at India Gate on 5th September; CJP's big announcement!

'અમારી ધીરજને નબળાઈ ન ગણો', 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર યુવાનોનું મહાઆંદોલન; CJPની મોટી જાહેરાત!

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
'અમારી ધીરજને નબળાઈ ન ગણો', 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર યુવાનોનું મહાઆંદોલન; CJPની મોટી જાહેરાત!
સોર્સ : gstv

જંતર-મંતર ખાતે 1 મહિનાથી વધુ સમય સુધી આંદોલન ચલાવનાર કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં મોટા પાયે એકત્ર થવાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષે 5 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરતાં આરોપ લગાવ્યો છે કે, ભારત સરકારે 25 જુલાઈના રોજ યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. પક્ષના જણાવ્યા અનુસાર, સરકારના વચનો બાદ જ યુવાનોએ સદ્ભાવના દર્શાવીને પોતાનો દેશવ્યાપી વિરોધ પાછો ખેંચ્યો હતો.

App Store

શાંતિપૂર્ણ માર્ચની જાહેરાત

5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ શાંતિપૂર્ણ માર્ચ ઈન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય તરફ આગળ વધશે. CJPના સહ-સંયોજક સૌરવ દાસના જણાવ્યા પ્રમાણે, આ વિરોધ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો અને કથિત પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે. પક્ષે જણાવ્યું કે, 'અમે જેન જી, યુવા પ્રદર્શનકારીઓ અને મૃતકોના પરિવારો સાથેનો વિશ્વાસઘાત સ્વીકારીશું નહીં. 5 સપ્ટેમ્બર, ઈન્ડિયા ગેટ. યુવાનો ફરી એકવાર એકઠા થશે.'

CJPને સરકારની દાનત પર શંકા

પક્ષ દ્વારા સોમવારે રાષ્ટ્રીય કાર્યસમિતિની ઓનલાઈન બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર અને શાસિત રાજ્યો દ્વારા આપવામાં આવેલા વચનોની સમીક્ષા કરવામાં આવી હતી, જેના આધારે 25 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન પાછો ખેંચાયો હતો. સમિતિના સભ્યોએ સરકારની દાનત પર શંકા વ્યક્ત કરી હતી.

CJPએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું

CJP તરફથી બહાર પાડવામાં આવેલા લેખિત નિવેદનમાં જણાવાયું કે, '1 મહિનો વીતી ગયો છે. વચનો પૂરા કરવાને બદલે સરકારે માત્ર વિલંબ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ખાતરી આપી નથી. આ સ્થિતિ ચાલુ રહી શકે નહીં. અમારી ધીરજને નબળાઈ ન ગણવામાં આવે. અમારી સદ્ભાવના સરકાર માટે છેતરપિંડી કરવાની તક બની શકે નહીં. રાષ્ટ્રીય કાર્યસમિતિએ 5 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ માર્ચ યોજવાનો નિર્ણય કર્યો છે.'

CJP દ્વારા સરકાર સમક્ષ મુકાયેલી મુખ્ય માંગણીઓ

નીટ પેપર લીક મામલે જંતર-મંતર ખાતે આંદોલન દરમિયાન પક્ષે સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ રાખી હતી. જેમાં સૌથી મોટી માંગ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જે માંગ પૂરી થયા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય 2 મુખ્ય માંગણીઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું અને આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો સમાવેશ થાય છે. પક્ષનો આરોપ છે કે સરકારે આ બંને વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી અમલ થયો નથી.

ટોપિક્સ:GSTV NewsGujarati News