VIRAL/ 'અમારી પાસે માત્ર બે જ રસ્તા હતા...' 3 રીલ બનાવતી બહેનોએ એક જ વ્યક્તિ સાથે કરી લીધા લગ્ન! ટ્રોલ થતાં જણાવ્યું વિચિત્ર કારણ

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયાથી લઈને ધાર્મિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. અહીંની પ્રખ્યાત રીલમેકર ત્રણ સગી બહેનો સરજ, સાવિત્રી અને સંતોષે એક જ યુવક સાથે લગ્ન કરી લીધા છે.
આ મામલો હસનપુર વિધાનસભા વિસ્તારના ધોરિયા ગામનો છે. અહીં અગ્નિની સાક્ષીએ ફેરા લેવાનો, સિંદૂર પૂરવાનો અને મંદિર પરિસરમાં આશીર્વાદ લેવાનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થતા જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જ્યાં ઘણા લોકો આને 'કન્ટેન્ટ અને વ્યુઝ મેળવવાનો હલકો સ્ટંટ' ગણાવી રહ્યા છે, તો બીજી તરફ હવે આ ત્રણેય બહેનો અને તેમના પતિએ એક વિડીયો જાહેર કરીને પોતાના આ લગ્નને સો ટકા 'રિયલ' ગણાવતા પોતાની મજબૂરી અને આપસી પ્રેમની પૂરી કહાની વર્ણવી છે.
'અલગ થઈને મરવા કરતાં સાથે જીવવાનું પસંદ કર્યું'
લગાતાર થઈ રહેલા ટ્રોલિંગ અને 'ફેક મેરેજ'ના આરોપોનો જવાબ આપતાં ત્રણેય બહેનોએ પોતાના પતિ સાથે મળીને એક વિડીયો શેર કર્યો છે.
વિડીયોમાં ત્રણેય બહેનોએ ભાવુક થઈને કહ્યું, "અમારા ઘરના લોકો અમારા લગ્ન અલગ-અલગ જગ્યાએ નક્કી કરી રહ્યા હતા. એક બહેન માટે તો સરકારી નોકરીવાળો છોકરો પણ મળ્યો હતો, પરંતુ અમે બાળપણથી 24 કલાક એકસાથે રહ્યા છીએ, સાથે ખાધું-પીધું છે. અમે અલગ થઈને દૂર રહી શકીએ તેમ નહોતા. જ્યારે અમને ત્રણેય માટે એવું કોઈ ઘર ન મળ્યું જ્યાં ત્રણ ભાઈઓ હોય, ત્યારે અમારી પાસે માત્ર બે જ રસ્તા હતા. પહેલો એ કે અમે ત્રણેય એકસાથે મરી જઈએ અથવા તો એક જ માણસ સાથે લગ્ન કરીને સાથે રહીએ."
બહેનોએ આગળ કહ્યું, "લોકો પૂછી રહ્યા છે કે પતિનો પ્રેમ કેવી રીતે વહેંચાશે કે પછી ઝઘડા થશે. પણ અમને અમારા પતિના પ્રેમની જરૂર પણ નથી, અમે ત્રણેય બહેનોનો આપસી પ્રેમ દુનિયાની દરેક વસ્તુથી ઉપર છે. ભવિષ્યમાં જો અમારા પતિ અમને છોડી પણ દે, તો પણ અમે ત્રણેય સાથે જ રહીશું. આ કોઈ નકામું કન્ટેન્ટ કે મજાક નથી, અમે અમારી મરજી અને પરિવારની સંમતિથી આ લગ્ન કર્યા છે."
પતિ બોલ્યા- હું તો માત્ર આમને સાથે રાખવાનું એક માધ્યમ છું
ત્રણેય બહેનો સાથે લગ્ન કરનાર યુવકે પણ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે, "એમની હાલત એવી હતી કે તેઓ એકબીજાથી અલગ થવા કરતાં મરવાનું વધારે પસંદ કરી રહી હતી. મેં લગ્ન માત્ર એટલા માટે કર્યા જેથી હું આમને એક જગ્યાએ સાથે રાખી શકું. લોકો પૂછી રહ્યા છે કે પ્રેમ કરી શકીશ કે નહીં, તો આમને મારા પ્રેમની જરૂર જ નથી, તેઓ આપસમાં જ એટલી ખુશ છે."
મંદિરના પૂજારીઓનો ઇનકાર
જોકે, આ લગ્નનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ સતત ઘેરો બની રહ્યો છે. વિડીયોમાં હસનપુર નગરપાલિકાના ચેરમેન અને કેટલીક સ્થાનિક મહિલાઓ પણ જોવા મળી રહી છે. બીજી તરફ, ચામુંડા મંદિરના પૂજારીઓનું કહેવું છે કે મંદિર પરિસરની અંદર આવી કોઈ પણ વિધિવત લગ્નની વિધિ કરાવવામાં આવી નથી.
વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિક હિન્દુ સંગઠનોએ આ કૃત્યને પરંપરાઓની વિરુદ્ધ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. સોશિયલ મીડિયા પર જ્યાં લાખો લોકો આને માત્ર 'ફેક રીલ અને પબ્લિસિટી સ્ટંટ' ગણાવી રહ્યા છે, તો ત્રણેય બહેનો આને પોતાની જીંદગીનો સાચો નિર્ણય ગણાવી રહી છે. હાલમાં ચારેય મીડિયા સામે સીધા આવવાથી બચી રહ્યા છે.

