DMKના નેતાનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, કહ્યું "રામના અસ્તિત્વના કોઈ પુરાવા નથી..."
તમિલનાડુના રમત મંત્રી અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને હિન્દુ ધર્મ વિશે કરેલી વિવાદિત ટિપ્પણીની સમગ્ર દેશમાં ન

તમિલનાડુના રમત મંત્રી અને DMK નેતા ઉદયનિધિ સ્ટાલિને હિન્દુ ધર્મ વિશે કરેલી વિવાદિત ટિપ્પણીની સમગ્ર દેશમાં નિંદા કરવામાં આવી હતી, તેમજ આ મામલે તેમના વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. હવે તમિલનાડુના ડીએમકે (DMK)ના વધુ એક નેતાએ ભગવાન રામ વિશે વિવાદિત ટિપ્પણી કરવાની ઘટના સામે આવી છે. તમિલનાડુના મંત્રી એસએસ શિવશંકરે શુક્રવારે (2 ઓગસ્ટ) ભગવાન રામ વિશે કરેલા વિવાદિત નિવેદનમાં દાવો કર્યો હતો કે ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે કોઇ ઐતિહાસિક પુરાવા નથી. દરમિયાન તેમણે ચોલ વંશના રાજાઓ સાથે ભગવાન રામની તુલના પણ કરી હતી. DMKના નેતા અને તમિલનાડુના મંત્રીના આ નિવેદનની હાલ સોશિયલ મીડિયામાં ભારે નિંદા કરવામાં આવી રહી છે.
DMK નેતાએ ભગવાન રામ વિશે શું કહ્યું?
હકીકતમાં, અરિયાલુર જિલ્લાના ગંગઇકોંડાચોલપુરમ ગામમાં રાજેન્દ્ર ચોલની જયંતી મનાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે DMKના મંત્રી શિવશંકરે કહ્યું હતું કે, આપણે ચોલ વંશના સમ્રાટ રાજેન્દ્ર ચોલનો જન્મ દિવસ ઉજવીએ છીએ. આપણી પાસે શિલાલેખ, તેમના બનાવેલા મંદિરો અને તેમના દ્વારા બનાવેલા તળાવો જેવા ઐતિહાસિક પુરાવાઓ છે. પરંતુ, ભગવાન રામનો ઇતિહાસ જાણવા માટે કોઇ પુરાવા નથી. આટલા પર સંતોષ ન માનતા તેમણે વધુમાં કહ્યું કે, તેઓ દાવા કરે છે કે ભગવાન રામ 3000 વર્ષ પહેલા રહેતા હતા તેમજ તે લોકો તેમને ભગવાનનો અવતાર માને છે. પરંતુ ભગવાનનો અવતાર જન્મ નથી લેતા. જો રામ ભગવાનનો અવતાર હોય તો તેમનો જન્મ ન થઇ શકે અને જો તેમનો જન્મ થયો હોય તો તેમને ભગવાન ન ગણી શકાય.






