VIDEO: "સીધું કહી દો ને કે બાંગ્લાદેશી મુસ્લિમોના નામ ન કપાય!" ગિરિરાજ સિંહનો રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પર સૌથી મોટો પ્રહાર
દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને મતદાર યાદી સુધારણા (SIR) સામે વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક) દ્વારા કરવામાં આવી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આકરા પ્રહારો કર્યા છે. પટના ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે વિપક્ષ પર દેશમાં ભ્રમ અને અરાજકતા ફેલાવવાનો સીધો આરોપ લગાવ્યો હતો તેમજ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને આડે હાથે લીધા હતા.
'પરાજય સ્વીકારવો જોઈએ, 2 કરોડના દાવા સામે એક પણ પુરાવો ન આપ્યો'
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, "ચૂંટણીમાં પરાજયનો સ્વીકાર કરવો જોઈએ. તેજસ્વી યાદવ અને અર્બન નક્સલવાદીઓએ બિહારની ધરતી પર ૨ મહિના સુધી SIR વિરુદ્ધ આંદોલન ચલાવ્યું. પરંતુ જ્યારે ચૂંટણી પંચે કહ્યું કે જેમના નામ ગેરકાયદેસર રીતે કપાયા હોય તેમની યાદી આપો, ત્યારે તેમણે કહ્યું કે ૨ કરોડ લોકોના નામ કાપી નાખવામાં આવ્યા છે... વાસ્તવિકતા એ છે કે તેઓ એક પણ વ્યક્તિનું નામ પુરાવા સાથે આપી શક્યા નથી."
રાહુલ ગાંધી અરાજકતા ફેલાવવા માગે છે: ગિરિરાજ સિંહ
વિપક્ષના વિરોધ પ્રદર્શન પાછળના હેતુ પર સવાલો ઉઠાવતા તેમણે ઉમેર્યું કે, "તેઓ માત્ર લોકોમાં ભ્રમ ફેલાવવા માંગે છે. રાહુલ ગાંધી દેશભરમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરવા માગે છે."
બાંગ્લાદેશી મુસ્લિમોના મુદ્દે આકરો કટાક્ષ
ગિરિરાજ સિંહે વિપક્ષની વોટબેંકની રાજનીતિ પર પ્રહાર કરતાં કહ્યું કે, "તેઓ આટલા બધા બહાના કેમ બનાવી રહ્યા છે? તેઓ ખુલ્લેઆમ અને સીધું કેમ નથી કહી દેતા કે મતદાર યાદીમાંથી બાંગ્લાદેશી મુસ્લિમોના નામ ન કપાવા જોઈએ!"
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વિપક્ષી સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર સામે સતત મોરચો માંડી રહ્યા છે અને મતદાર યાદીમાંથી મોટા પાયે નામો કાપવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે જંતર-મંતર અને રાજઘાટ ખાતે પ્રદર્શનો કરી રહ્યા છે, ત્યારે ગિરિરાજ સિંહના આ નિવેદનથી બિહાર સહિત રાષ્ટ્રીય રાજકારણમાં નવો ગરમાવો આવી ગયો છે.

