સુરતમાં 12 કોમર્સના વિદ્યાર્થીનો આપઘાત, ઘટના પહેલા વીડિયો બનાવી કહી આ વાત

સોર્સ : gstv
સુરત - ગોડાદરા વિસ્તારમાં ધોરણ-૧૨ કોમર્સના ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ ૧૩મા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. વિદ્યાર્થી સવારે નિત્યક્રમ મુજબ કસરત કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. જોકે, તે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
વિદ્યાર્થીએ બનાવ્યો વીડિયો
આ દરમિયાન રાજ આઇકોન બિલ્ડિંગના ૧૩મા માળે આવેલા નવા ફ્લેટની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આત્મહત્યા કરતાં પહેલાં તેણે મોબાઇલમાં વીડિયો બનાવી જણાવ્યું હતું કે, "હું મારી મરજીથી આ પગલું ભરું છું, કોઈનું દબાણ નથી".
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થીના મોબાઇલ સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

