રોહિત-કોહલીની નિવૃત્તિ પર શુભમન ગિલે તોડ્યું મૌન, ODI વર્લ્ડ કપ 2027માં બંનેના રમવા પર કહી આ વાત

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચોની આ સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ બેટથી અદ્ભુત પ્રદર્શન કર્યું. આ સિવાય કેપ્ટન શુભમન ગિલે પણ પોતાની બેટિંગથી ફેન્સના દિલ જીતવામાં સફળતા મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝની અંતિમ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળન રહી. તેમ છતાં શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ ટીમે 2-1થી સિરીઝ જીતવામાં સફળતા મેળવી હતી.
શુભમન ગિલની ખુલ્લા મને વાત
મેચ પૂરી થયા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર શુભમન ગિલે ખુલીને વાત કરી હતી. ગિલના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, હાલમાં આ બંને દિગ્ગજો વિના ટીમ ઈન્ડિયાનું પ્લાનિંગ અધૂરું છે અને તેઓ 2027 ODI વર્લ્ડ કપના પ્લાનિંગનો મહત્ત્વનો હિસ્સો બની રહેશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ ODI પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન ગિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રોહિત અને વિરાટ સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ટીમને જ્યારે પણ જરૂર પડી છે, ત્યારે તેમણે શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી છે.
શ્રેષ્ઠ ફોર્મમાં છે કોહલી અને રોહિત
ગિલે કહ્યું કે, 'આ બંને ખેલાડીઓ ખરેખર ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યા છે. આપણે જોયું કે, રોહિત ભાઈએ છેલ્લી ચાર ઈનિંગ્સમાં કમાલની બેટિંગ કરી છે. વિરાટ ભાઈ પણ જબરદસ્ત ફોર્મમાં છે અને જ્યારે પણ કે.એલ. રાહુલને તક મળી છે, તેમણે પણ ટીમ માટે શાનદાર યોગદાન આપ્યું છે.'
2027 વર્લ્ડ કપ અંગે શું કહ્યું?
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું ટીમ યુવા ખેલાડીઓને અજમાવવા માટે આ દિગ્ગજોને આરામ આપી શકે છે? આ સવાલ પર ગિલે સ્પષ્ટ કહ્યું કે, હવે બહુ વધારે પ્રયોગ કરવાનો સમય બચ્યો નથી. ટીમે વર્લ્ડ કપ પહેલા પોતાની પાકી પ્લેઈંગ ઈલેવન નક્કી કરવી પડશે, જેથી તમામ ખેલાડીઓ એકસાથે મળીને રમી શકે.
દિગ્ગજોનો જલવો યથાવત્
રોહિત શર્મા (39 વર્ષ) અને વિરાટ કોહલી (37 વર્ષ) ની ઉંમરને લઈને અવારનવાર સવાલો ઉઠાવવામાં આવે છે, પરંતુ મેદાન પર તેમના બેટમાંથી નીકળી રહેલા રન ટીકાકારોને કડક જવાબ આપી રહ્યા છે. સિરીઝ દરમિયાન વિરાટે પોતાની ODI કારકિર્દીની 55મી સદી ફટકારી, તો રોહિતે પણ સતત ઉત્કૃષ્ટ ઈનિંગ્સ રમીને સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે. કેપ્ટન ગિલના આ નિવેદન બાદ એ તો નક્કી છે કે, હાલમાં રોહિત અને વિરાટ બ્લ્યૂ ટી શર્ટમાં પોતાનો જાદૂ પાથરતાં જોવા મળશે. ભારતીય ક્રિકેટ ફેન્સ પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીને વર્ષ 2027ના વર્લ્ડ કપમાં રમતા જોવા માંગે છે.

