હજારો કરોડના ખર્ચ છતાં યમુના ગંદી: સુપ્રીમ કોર્ટની રાજ્યોને કડક ચેતવણી

યમુના નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. નદીની સફાઈ પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચવા છતાં તેની સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી હોવા અંગે કોર્ટે સંબંધિત રાજ્યો અને સ્થાનિક વહીવટીતંત્રને આડે હાથ લીધા છે. કોર્ટે ચેતવણી આપી છે કે જો નદીના સમગ્ર પ્રવાહ દરમિયાન પાણીની ગુણવત્તા વધુ બગડશે તો જવાબદાર અધિકારીઓ સામે ભારે દંડની કાર્યવાહી થઈ શકે છે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે 4 નવેમ્બરના આદેશમાં જણાવ્યું હતું કે યમુનાની દયનીય સ્થિતિ નદીના કિનારે આવેલા શહેરો, નગરો અને ગામોના નાગરિક વહીવટીતંત્રની નિષ્ફળતા દર્શાવે છે. કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે સફાઈ પાછળ આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ પ્રદૂષણમાં ઘટાડો કેમ થતો નથી?
520 ગંદા નાળાં યમુનામાં ઠાલવે છે પ્રદૂષિત પાણી
સુપ્રીમ કોર્ટે યમુનામાં ગંદું પાણી છોડતા આશરે 520 નાળાં તરફ ધ્યાન દોર્યું હતું. કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ને નદી અને તેના મુખ્ય નાળાંની પાણીની ગુણવત્તા પર નિયમિત નજર રાખવા નિર્દેશ આપ્યો છે. ખાસ કરીને જ્યાં યમુના અને તેના મોટા નાળાં અલગ-અલગ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓમાં પ્રવેશ કરે છે અથવા બહાર નીકળે છે, ત્યાં પાણીની ગુણવત્તાની તપાસ કરવા જણાવાયું છે. આ રીતે પ્રદૂષણ કયા સ્થળે વધી રહ્યું છે તેની ઓળખ કરી શકાશે.
માત્ર STP બનાવવાથી નદી સ્વચ્છ નહીં થાય
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઔદ્યોગિક પ્રદૂષકો (Industrial Pollutants) અને શુદ્ધિકરણ વગરનું ગટરનું પાણી (Untreated Sewage) તેના મૂળ સ્ત્રોત પર જ અટકાવવું જરૂરી છે. માત્ર વધુ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ (Sewage Treatment Plants - STP) બનાવવાથી યમુનાને સ્વચ્છ કરી શકાશે નહીં. કોર્ટે ચેતવણી આપી છે કે નદીના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની ગુણવત્તા સતત ખરાબ થતી જણાશે તો સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવી દંડ ફટકારવામાં આવી શકે છે. આ નિર્દેશથી યમુના સફાઈ અભિયાનમાં જોડાયેલા રાજ્યો અને સ્થાનિક વહીવટીતંત્ર પર જવાબદારી વધશે.







