VIDEO: ગુલમોહર પાર્કમાં દિલ્હીનું પ્રથમ ‘ઓનલાઈન વોટર એનાલાઈઝર’ સ્થાપિત કરાયું
દક્ષિણ દિલ્હીની પોશ સોસાયટી ગુલમોહર પાર્કમાં દિલ્હી જલ બોર્ડ (DJB) દ્વારા શહેરનું પ્રથમ ‘ઓનલાઈન વોટર એનાલાઈઝર’ સ્થાપિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં આ વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની અને પ્રદૂષિત પુરવઠાના કારણે લોકો બીમાર પડવાની વ્યાપક ફરિયાદો બાદ તંત્ર દ્વારા આ આધુનિક પગલું લેવામાં આવ્યું છે. ગુલમોહર પાર્કના ગેટ નંબર ૨ પાસે સ્થાપિત કરવામાં આવેલી એક વ્હાઇટ મેટલ કેબિનની અંદર લગાવવામાં આવેલી ડિજિટલ સ્ક્રીન પર પાણીની ગુણવત્તાના લાઈવ રીડિંગ્સ ડિસ્પ્લે થઈ રહ્યા છે. અધિકારીઓ આ સિસ્ટમની ચકાસણી કરતા અને સ્થાનિક રહીશો સ્ક્રીન પર ક્લોરિનનું પ્રમાણ, pH લેવલ અને પાણીની પારદર્શકતા માપતા આંકડા જોઈ રહ્યા હોય તેવું નજરે પડે છે.આ સિસ્ટમ ઘરોમાં પાણી પહોંચતા પહેલાં જ તેમાં ક્લોરિનની માત્રા, એસિડિટી (pH) અને ડહોળાપણું સતત ટ્રેક કરે છે. દિલ્હી જલ બોર્ડ હાલ આ ટેકનોલોજીનું અહીં પરીક્ષણ કરી રહ્યું છે, જેના સફળ પરિણામો બાદ તેને દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવશે.

