FCRA કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી, ગૃહ મંત્રાલયના બે અધિકારીઓની ધરપકડ

દેશના ગૃહમંત્રાલયના 2 અધિકારીઓને દિલ્લી પોલીસે ધરપકડ કરી છે. આ બન્ને અધિકારીઓની FCRA સાથે જોડાયેલા એક કેસ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય પાસેથી મળેલી માહિતીના આધારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને 28 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં 2 સરકારી અધિકારીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને અધિકારીઓમાંથી એક સિનિયર એકાઉન્ટન્ટ અને બીજો એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે. તેમણે કથિત રીતે એક એસોસિએશનનો સંપર્ક કર્યો હતો, અને તેનું પેન્ડિંગ FCRA રજીસ્ટ્રેશન કરાવવાના બદલામાં ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી હતી.
કયા વિભાગમાં હતા બંને અધિકારીઓ?
આમાંથી એક અધિકારી હાલ ગૃહ મંત્રાલયના વિદેશી પ્રભાગમાં તૈનાત છે, જ્યારે બીજો અધિકારી, જે હાલ વેતન અને એકાઉન્ટ્સ ઓફિસમાં તૈનાત છે, તે પહેલા વિદેશી પ્રભાગમાં કામ કરી ચૂક્યો છે. સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેઓ ગેરકાયદેસર રીતે નાણાં લઈને કેટલાક સંગઠનોના રજીસ્ટ્રેશન અને રિન્યુઅલમાં મદદ કરવા માટે તેમના સંપર્કમાં હતા. આગળની તપાસ ચાલી રહી છે.
ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલેરન્સની નીતિ
ગૃહ મંત્રાલય ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે, અને આ મામલે યોગ્ય કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. FCRA સાથે જોડાયેલી તમામ સેવાઓ FCRA પોર્ટલ દ્વારા ઓનલાઈન આપવામાં આવે છે, અને કોઈપણ FCRA સેવામાં મદદ કરવા માટે કોઈ મધ્યસ્થી, એજન્ટ કે વ્યક્તિને અધિકૃત કરવામાં આવ્યા નથી.
FCRA કાયદો શું છે?
ભારતે વિદેશી યોગદાનને સ્વીકારવા અને તેના ઉપયોગને નિયંત્રિત કરવા માટે 1976માં પહેલો FCRA કાયદો બનાવ્યો હતો. FCRA કાયદો એ નક્કી કરે છે કે, ભારતીય વ્યક્તિ, સંગઠન, NGO, ટ્રસ્ટ અને કંપનીઓ ભારત બહારથી મોકલવામાં આવેલા નાણાં, સિક્યોરિટી કે સામાન કેવી રીતે મેળવી શકે છે, અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. જેનું સંચાલન MHA (ગૃહ મંત્રાલય) કરે છે. તે નક્કી કરે છે કે કઈ શરતો પર કોણ વિદેશી યોગદાન મેળવી શકે છે.
ગૃહ મંત્રાલય પારદર્શિતા, ગવર્નન્સ અને રેગ્યુલેટરી સ્પષ્ટતાને વધુ સુધારવા માટે ફોરેન કન્ટ્રીબ્યૂશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ લાવ્યું છે. જોકે, વિવાદ વચ્ચે તેને JPCને સોંપવામાં આવ્યું છે.

