દિલ્હી સીએમ કેજરીવાલને કોર્ટમાંથી ના મળી રાહત, તિહાર જેલમાં આવતીકાલે કરશે સરેન્ડર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી. કેજરીવાલે હેલ્થનું કારણ આપીને કોર્ટમાં વ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી રાહત મળી નથી. કેજરીવાલે હેલ્થનું કારણ આપીને કોર્ટમાં વચગાળાની અરજી કરી હતી. જેના પર આજે કોર્ટે ચુકાદો આપ્યો નથી. એટલે હવે કેજરીવાલે આવતીકાલે 2જી જૂને તિહાર જેલમાં જઈને સરેન્ડર કરવું પડશે. જણાવી દઈએ કે, કોર્ટે 10 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા. દિલ્હી સીએમને કોર્ટે આપેલી જામીન મુદત 2 જૂને પૂરી થતી હોઈ રવિવારે આત્મસમર્પણ કરવું પડશે.
જો કે, આ પહેલા કેજરીવાલે તેમની ખરાબ તબિયત અને મેડિકલ ટેસ્ટનો હવાલો આપીને વચગાળાના જામીનને વધુ 7 દિવસ માટે લંબાવવાની રજૂઆત કરી હતી. કેજરીવાલની આ અરજી ઉપર શનિવારે કોર્ટમાં સુનાવણી થઈ હતી. EDએ કેજરીવાલના વચગાળાના જામીન લંબાવવાનો વિરોધ કર્યો. કેજરીવાલ વતી એન હરિહરન કોર્ટમાં હાજર થયા હતા. એએસજી એસવી રાજુ ED વતી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા ઓનલાઈન સુનાવણીમાં જોડાયા હતા. તેમણે દલીલ કરી હતી કે ગઈકાલે શુક્રવારે કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ 2 જૂને જેલમાં આત્મસમર્પણ કરશે. તેણે એવું ન કહ્યું કે તે કોર્ટના આદેશની રાહ જોશે. આવા નિવેદનો કરીને તેઓ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે.




