બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાના બે વોટર કાર્ડને લઇને વિવાદ, તેજસ્વી યાદવે લગાવ્યો ગંભીર આરોપ

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાના બે વોટર કાર્ડ હોવાનો આરોપ લગાવતા RJDના નેતા તેજસ્વી યાદવે ફરિયાદ અને કાર્યવાહીની માંગ કરી છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી પાસે બે વોટર કાર્ડને લઇને વિવાદ
તેજસ્વી યાદવે પ્રેસ કોન્ફરન્સમાં દસ્તાવેજ બતાવતા કહ્યું કે વિજય સિન્હાનું નામ લખીસરાય વિધાનસભાની સાથે સાથે બાંકીપુર વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલું છે. બન્નેની ઉંમર અલગ અલગ છે, તેનાથી સ્પષ્ટ છે કે વિજય સિન્હાએ પોતાનું નામ બે જગ્યાએ નોંધાવવા માટે સંશોધન કરાવડાવ્યું છે. જો આવું થયું તો આ મોટો ગુનો છે.જો વિજય સિન્હાએ આવું નથી કર્યું તો BLAએ પોતાની જાતે જ નામ નોંધ્યું હશે માટે ચૂંટણી પંચ જણાવે કે મતદાર યાદીમાં શું ખાસ સઘન સમીક્ષામાં કોઈ વિસંગતતાઓ છે?
તેજસ્વી યાદવના બે વોટર કાર્ડને લઇને ઉભા થયા હતા સવાલ
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને બિહાર વિધાનસભાના વિપક્ષના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ બે વોટર આઈડી (EPIC - Election Photo Identity Card) રાખવાના આરોપને લઈને વિવાદમાં ફસાયા હતા. આ મામલો બિહારમાં ઓક્ટોબર-નવેમ્બર 2025માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં ચાલેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના સંદર્ભમાં ઉભો થયો હતો.
તેજસ્વી યાદવે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે તેમનું નામ બિહારની ડ્રાફ્ટ ચૂંટણી યાદી (ઈલેક્ટોરલ રોલ)માંથી દૂર કરવામાં આવ્યું છે. તેમણે પોતાના મોબાઈલ ફોનને મોટી સ્ક્રીન સાથે જોડીને ચૂંટણી પંચની ઓફિશિયલ એપ્લિકેશનમાં પોતાનો EPIC નંબર (RAB2916120) દાખલ કરી બતાવ્યું, જેમાં "નો રેકોર્ડ ફાઉન્ડ"નો એરર મેસેજ આવ્યો. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, "જો મારું નામ ચૂંટણી યાદીમાં નથી, તો હું ચૂંટણી કેવી રીતે લડીશ?"
ચૂંટણી પંચે તેજસ્વીના આ દાવાને તરત જ નકારી કાઢ્યો અને જાહેર કર્યું કે તેજસ્વીનું નામ ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલમાં હાજર છે. પંચે જણાવ્યું કે તેજસ્વીનું નામ પટનાના બિહાર એનિમલ સાયન્સ યુનિવર્સિટીના લાઈબ્રેરી બિલ્ડિંગના પોલિંગ સ્ટેશન નંબર 204ની યાદીમાં સીરિયલ નંબર 416 પર નોંધાયેલું છે, અને તેમનો અધિકૃત EPIC નંબર RAB0456228 છે. આ નંબર 2015 અને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં પણ તેમના નામાંકન પત્રોમાં નોંધાયેલો હતો.
તેજસ્વીએ પત્રકાર પરિષદમાં જે EPIC નંબર (RAB2916120) બતાવ્યો હતો, તે ચૂંટણી પંચના રેકોર્ડમાં અધિકૃત રીતે જારી થયેલો ન હોવાનું પંચે જણાવ્યું. આથી ચૂંટણી પંચે તેજસ્વીને 3 ઓગસ્ટ, 2025ના રોજ નોટિસ જારી કરી, જેમાં તેમને આ EPIC નંબરની વિગતો અને મૂળ વોટર આઈડી કાર્ડ સાથે 16 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.

