દિલ્હી બ્લાસ્ટમાં NIAનો નવો ખુલાસો, 'કાશ્મીરની હોસ્પિટલોને ‘હથિયારોનું ભંડાર કેન્દ્ર’ બનાવવાનું ષડયંત્ર'

સોર્સ : GOOGLE
દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોંબ વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસ મુજબ, જે રીતે હમાસ ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં હથિયારો જમા કરતો હતો, તે રીતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરની અનેક હોસ્પિટલોને હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જૈશનું આતંકી મૉડ્યૂલ બારામુલા, અનંતનાગ અને બડગામની અનેક હોસ્પિટલોને હથિયારોના ભંડાર કેન્દ્રમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
હમાસે આતંકી સંગઠન જૈશને મદદ કરી
NIA સૂત્રોના જણાવ્યા મુજબ, કાર વિસ્ફોટમાં ધરપકડ કરાયેલા ડૉ.અદીલ રાઠરની પૂછપરછ કરવામાં આવ્યા બાદ, હમાસ અને જૈશના કેડરો વચ્ચે સંબંધો વધ્યા હોવાની માહિતી મળી છે, તેના પરથી સંભાવના છે કે, હમાસ જૈશના આતંકી મૉડ્યૂલને ટેકનીકલ મદદ કરી રહ્યો હતો.
અનેક હોસ્પિટલોને હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવાનું ષડયંત્ર
જૈશના ‘ડૉક્ટર આતંકી મૉડ્યૂલે’ અનંતનાગ, શ્રીનગર, બારામુલા અને નૌગામની હોસ્પિટલને ઘાતક હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવાવનું ષડયંત્ર રચ્યું હતું. આ માહિતી સામે આવ્યા બાદ પોલીસે કાશ્મીરની અનેક હોસ્પિટલોમાં દરોડા પાડ્યા છે, જેમાં આરોપી ડૉક્ટરોના લોકરમાંથી હથિયારો મળી આવ્યા છે.
અગાઉ ગુજરાત ATSએ ત્રણ આતંકીની ધરપકડ કરી હતી
ગુજરાતી ATSએ અગાઉ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાં હૈદરાબાદનો ડૉ. અહમદ સૈયદ પણ સામેલ હતો. એટીએસએ હૈદરાબાદ જઈને અહમદના ઘરે દરોડો પાડ્યો હતો, જેમાં તેના ઘરેથી મોટાપ્રમાણમાં આતંકવાદને લગતી વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી.
ખતરનાક ઝેર બનાવવાનું ષડયંત્ર
ડૉ.અહમદના ભાઈ ઉમરે કહ્યું કે, 10 લોકો બુધવારે બપોરે આવ્યા હતા અને ત્રણ કિલો એરંડાનો ગૂદો (પલ્પ), પાંચ લિટર એસિટોન, કોલ્ડ પ્રેસ ઓઈલ એક્સટ્રેક્શન મશીન અને એસિટોનની ડિલિવરીવાળી એક રસિદ લઈ ગયા હતા. તેણે એમ પણ કહ્યું કે, અહમદે ચીનમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે. અહમદને કોઈએ પ્રોજેક્ટ આપ્યો હતો. અત્રે જણાવી દઈએ કે, એરંડાના બીજમંથી ખૂબ જ ઝેરીલું રિસિન બનાવવામાં આવે છે. ઉમરનું કહેવું છે કે, તેને નથી લાગતું કે તેના ભાઈ અહેમદને રિસિનના ખતરનાક ઝેર વિશે ખબર હોય.

