અમિતાભ બચ્ચનના ઘરે ફાયરિંગનું કાવતરું, બે શૂટર ઝડપાયા

અમિતાભ બચ્ચનના ઘરે ફાયરિંગનું કાવતરું, બે શૂટર ઝડપાયા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈસ્થિત બંગલા ‘જલસા’ (Jalsa)ની બહાર ફાયરિંગ કરવાની કથિત સાજિશનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મુંબઈ પોલીસની મદદથી પંજાબના બે શંકાસ્પદ શૂટર વિકાસ ઠાકુર અને દીપક સિંહની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને વિદેશમાં બેઠેલા એક ગેંગસ્ટરના સંપર્કમાં હતા અને તેના ઇશારે અલગ-અલગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવાના હતા.

1984ના રમખાણો સાથે જોડાયેલો કથિત ઇરાદો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટર 1984નાં શીખ વિરોધી રમખાણો (Anti-Sikh Riots) અંગે અમિતાભ બચ્ચન પર લગાવવામાં આવેલા કથિત આરોપોને લઈને નારાજ હતો. આ જ કારણસર અભિનેતાના ઘરની બહાર ગોળીબાર કરવાની યોજના બનાવાઈ હોવાની આશંકા છે. આ કામ માટે દીપક સિંહને મુંબઈમાં વધુ સમય રોકાવા સૂચના અપાઈ હતી. જોકે, અમિતાભ બચ્ચન આવા કોઈ નિવેદન આપ્યાનો ઇનકાર કરી ચૂક્યા છે. કેટલાક શીખ સંગઠનો અને રમખાણોની સાક્ષી જગદીશ કૌરે તેમના પર ભીડને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ દાવા અંગે કોઈ સત્તાવાર વીડિયો જાહેરમાં ઉપલબ્ધ થયો નથી.

જાહેરાત

દિલ્હીના વેપારી પર પણ હુમલાની યોજના

પોલીસના જણાવ્યા અનુસાર, જાલંધરના રહેવાસી વિકાસ ઠાકુરને દિલ્હીના એક વેપારી પાસેથી ખંડણી (Extortion) વસૂલવા માટે ગોળીબાર કરવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે, પોલીસએ હુમલા પહેલાં જ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસના આધારે મુંબઈમાંથી દીપક સિંહને પણ ઝડપી લેવાયો હતો. દીપક અમૃતસરમાં 3 ઓક્ટોબરે થયેલી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યાના કેસમાં પણ વોન્ટેડ હતો. આ કેસમાં તેનો સાથી પલવિંદર સિંહ ઉર્ફે કાકા અગાઉ પકડાયો હતો.

અગાઉ પણ મળી હતી ધમકી

અમિતાભના બંગલા ‘જલસા’ને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા ઇમેઇલ પણ મળ્યા હતા. આ ધમકીઓ બાદ અભિનેતા બુલેટપ્રૂફ સુરક્ષા વ્યવસ્થામાં જોવા મળ્યા હતા. હાલ પોલીસ વિદેશી ગેંગસ્ટર સાથેના સંપર્કો અને સમગ્ર કાવતરાની વધુ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત