અમિતાભના ઘર પર કાર બોમ્બ અને દિલજીતના શોમાં 'આઈફોન બોમ્બ'થી હુમલાની ચેતવણી!

મુંબઈ મેયરની ઓફિસમાં ફરીથી અમિતાભ બચ્ચન ઘર જલસા અને પંજાબી ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. આ જ ઈમેલમાં ફરીથી એવો દાવો કરવામાં આવ્યો છે કે અમિતાભ બચ્ચનના 'જલસા' બંગલા પર કાર બોમ્બથી હુમલો કરવામાં આવશે.
કોન્સર્ટમાં આઈફોન બોમ્બથી હુમલાની ધમકી
પંજાબી ગાયક દિલજીત દોસાંજના મુંબઈમાં યોજાનાર કોન્સર્ટને લઈને પણ એવી ધમકી આપવામાં આવી છે કે ત્યાં આઈફોન બોમ્બથી હુમલો કરવામાં આવશે. આ મામલે ઈમેલ મોકલનારની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને હાલ કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.
આ પહેલા ગત 23 ઓકટોબરના રોજ પણ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન અને પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મુંબઈના મેયર રીતુ તાવડેને આ અંગેનો ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો, જેમાં અમિતાભના 'જલસા' બંગલા અને દિલજીત પર 1984ના 'ઓપરેશન બ્લુ સ્ટાર'નો બદલો લેવા હુમલો કરવાની ધમકી અપાઈ હતી.





