"સાથીઓ જેલમાં છે, તમે પરિવાર સાથે રહો..." CEC સામેના આંદોલન પર CJPએ લગાવી બ્રેક:

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજીત દીપકેએ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે ચાલી રહેલા આંદોલનને હાલ પૂરતું સ્થગિત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. કાયદાકીય અડચણો અને પોતાના નજીકના સાથીઓની જેલવાસની સ્થિતિને જોતા તેમણે આ મોટો નિર્ણય લીધો છે.
અભિજીત દીપકેએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, આંદોલન સાથે જોડાયેલા સૌરભ દાસ અને આશુતોષ રાંકા હાલ જેલમાં બંધ છે અને ગંભીર કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલીઓ અને જેલમાં બંધ સાથીઓની સ્થિતિનો ઉલ્લેખ કરતી વખતે દીપકે અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.
પોતાના કાર્યકરો અને સમર્થકોને સંદેશ આપતાં તેમણે અપીલ કરી હતી કે હાલના કપરા સંજોગોને ધ્યાનમાં રાખીને તમામ લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવે અને પરિવારની સંભાળ રાખે. મુખ્ય ચૂંટણી કમિશનર સામે આક્રમક રીતે ચલાવવામાં આવી રહેલા આ આંદોલન પર અચાનક બ્રેક વાગતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
તાજેતરમાં એક અંગ્રેજી અખબારમાં ચૂંટણી પંચને લઈને પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ અભિજીત દીપકેએ 'સ્કૂલ ઠીક કરો' અભિયાનને અધવચ્ચે રોકી દીધું હતું. ત્યારબાદ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે એક નવા આંદોલનની શરૂઆત કરી હતી. CJPએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરવાના નથી.
જોકે, આ દરમિયાન CJPના અગ્રણી નેતાઓ કાયદાકીય ગૂંચવણો અને મુશ્કેલીઓમાં ઘેરાઈ જતાં સમગ્ર સ્થિતિ પલટાઈ ગઈ છે. મંગળવારે જારી કરેલા પોતાના ૧૬ મિનિટ લાંબા વીડિયો સંદેશમાં દીપકેએ કરેલા નિવેદનનો સાર એ જ છે કે હાલ પૂરતું આ આંદોલન સ્થગિત (બ્રેક પર) રહેશે. આ સાથે જ તેમણે પોતાના કાર્યકરો (કોકરોચ)ને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા અને તહેવારો મનાવવાની સલાહ આપી છે.












