"જેલમાંથી છૂટ્યા પણ ગળામાં ફસાયો કાયદાનો ફંદો! CJP નેતા અભિજીત દીપકેની એવી કઈ ભૂલ જે ફરી જેલ ભેગા કરી શકે?"

કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દિલ્હીમાં આયોજિત 'લહેરા દો તિરંગા' માર્ચ શરૂ થતાંની સાથે જ કસ્ટડીમાં લેવાયેલા નેતા અભિજીત દીપકેને શનિવારે સાંજે કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટે દીપકેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સાથે કેટલીક કડક શરતો પણ મૂકી છે. આ શરતો હેઠળ દીપકે પાસેથી 'પીસ બોન્ડ' (શાંતિ જાળવવા અંગેનું બોન્ડ) પર સહી કરાવવામાં આવી છે, જેનું પાલન કરવું તેમના માટે હવે અનિવાર્ય બની ગયું છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, શાંતિ બોન્ડમાં આપવામાં આવેલી બાંહેધરી અને લેખિત આદેશ મળ્યા બાદ દીપકેને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, આ બોન્ડ પર સહી કરવાના કારણે ભવિષ્યમાં તેમના માટે આંદોલન ચલાવવું જોખમી બની શકે છે, કારણ કે શરતોના સહેજ પણ ઉલ્લંઘન પર પોલીસ તેમને ફરીથી સીધા જેલ ભેગા કરી શકે છે.
પાર્ટીના બે મુખ્ય નેતાઓ દાસ અને રાંકા પહેલેથી જ તિહાર જેલમાં
શુક્રવારે કનોટ પ્લેસ ખાતેના પ્રદર્શનમાં સામેલ થવા ઝંડેવાલાન સ્થિત આવાસમાંથી બહાર નીકળતાં જ દીપકેને અટકાયતમાં લેવાયા હતા. આ અગાઉ CJPના અન્ય બે અગ્રણી નેતાઓ આશુતોષ રાંકા અને સૌરભ દાસ સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ બંને નેતાઓએ અગાઉ પીસ બોન્ડ સાઇન કર્યા હોવા છતાં જંતર-મંતરનો ગેટ કૂદીને તિરંગો લહેરાવ્યો હતો. પરિણામે પોલીસે બોન્ડના ઉલ્લંઘનની કલમો લગાવીને બંનેની ધરપકડ કરી હતી અને કોર્ટે તેમને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલ મોકલી દીધા છે.
પીસ બોન્ડ બાદ દીપકે સામે કયા પડકારો રહેશે?
એક વર્ષ માટે પીસ બોન્ડ ભર્યા બાદ હવે અભિજીત દીપકે પર આખા વર્ષ દરમિયાન એવું કોઈપણ કામ ન કરવાની કાયદાકીય જવાબદારી રહેશે જેનાથી કાયદો અને વ્યવસ્થા કે શાંતિ ભંગ થતી હોય. CJPના બે મુખ્ય નેતાઓ રાંકા અને દાસ પહેલેથી જ જેલમાં છે, તેવા સંજોગોમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે ચાલી રહેલા આંદોલનની આગેવાની દીપકેના ખભા પર આવી પડી છે. જો દીપકે તરફથી નિયમોનું સહેજ પણ ઉલ્લંઘન થશે તો તેઓ પણ જેલ ભેગા થઈ શકે છે, જેના કારણે ભવિષ્યમાં પાર્ટીના સમગ્ર આંદોલનને દિશા આપવા બાબતે મોટો પ્રશ્નાર્થ સર્જાઈ શકે છે.









