મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લડાઇ લાંબી છે, જેલમાં નાખશો તો પણ પાછીપાની નહીં કરીએ: CJP સંસ્થાપક અભિજીત દિપકેનું મોટું નિવેદન

લડાઇ લાંબી છે, જેલમાં નાખશો તો પણ પાછીપાની નહીં કરીએ: CJP સંસ્થાપક અભિજીત દિપકેનું મોટું નિવેદન
આ સમાચાર સાંભળો

કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દિપકેએ એવી આશા વ્યક્ત કરી હતી કે સૌરવ દાસ અને આશુતોષ રાંકા બન્ને ટૂંક સમયમાં બહાર આવશે, તેમની સાથે બેઠક યોજ્યા બાદ આગળની રણનીતી તૈયાર કરાશે. આ લડાઇ બહુ લાંબી છે, જેલમાં ધકેલશો તો પણ પાછીપાની નહીં કરીએ. બીજી તરફ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની પાંચ દિવસની ન્યાયિક કસ્ટડી પૂર્ણ થઇ ગઇ છે. જોકે રવિવારે આ મુદ્દે સુનાવણી થવાની હતી જે ટળી જતા હાલ કોકરોચ પાર્ટીના આ બન્ને નેતાઓ તિહાર જેલમાં જ કેદ રહેશે.

કોકરોચ જનતા પાર્ટીના લિગલ હેડ રત્ના સિંઘે મીડિયાને જણાવ્યું હતું કે રવિવારે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ સુનાવણી હોવાથી સવારથી જ સૌરવ અને આશુતોષના વકીલો પહોંચી ગયા હતા. જોકે બપોરના ૧૨ વાગ્યા છતા સુનાવણી શરૂ ના કરાઇ અને સાંજ પર ઢોળી દેવાયું, અંતે સાંજે સુનાવણી હાથ ધરવામાં આવી જોકે બન્નેના જામીન અંગે કોઇ જ સુનાવણી ના કરવામાં આવી અને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે પોતાને ફોન પર ધમકીઓ મળી હોવાનો ઉલ્લેખ કરીને મામલો ટાળી દીધો. બીજી તરફ અભિજીત દિપકેએ કહ્યુ હતું કે પ્રદર્શનકારીઓની ધરપકડો કરીને તેમને ડરાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જોકે અમે કોઇનાથી ડરીશું નહીં કે પાછીપાની પણ નહીં કરીએ. જ્યારે ગોવાના પણજીના પોલીસ અધિકારી વિજયકુમાર ચોડનકરે કહ્યું હતું કે પણજીમાં આયોજિત વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં સીજેપીના પદાધિકારીઓએ મુર્દાબાદ, મુર્દાબાદ હિન્દુત્વ મુર્દાબાદના નારા લગાવ્યા હતા, આ મામલે ૩૦૦ લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ દાવો કર્યો હતો કે ભારતમાં પણ ફ્રાન્સ અને બાંગ્લાદેશ જેવી હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો