સીજેપી દ્વારા દેખાવોની જાહેરાતને પગલે મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર થતા દેખાવોને કારણે અમારા ધંધા-રોજગારને અસર થાય છે.
VIDEO: CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJPના દેશવ્યાપી દેખાવો: દિલ્હીમાં કલમ 163 લાગુ, 11 મેટ્રો સ્ટેશનો બંધ
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દેશભરમાં આજથી દેખાવોની શરૂઆત થવા જઈ રહી છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ લીધા બાદ હવે SIRમા ગરબડ મામલે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આજે CJP સાથે જોડાયેલા 'કોકરોચ' દેશભરમાં રસ્તા પર ઉતરશે.
CJPની ત્રણ મુખ્ય માગ
1. CEC જ્ઞાનેશ કુમાર રાજીનામુ આપે
2. મતદાર યાદી ફ્રીઝ કરવામાં આવે
3. સિવિલ સોસાયટીની ભાગીદારી સાથે આગામી ચૂંટણી કમિશનરની નિમણૂક થાય
CJP એ દેખાવોનો પ્લાન જાહેર કર્યો
કોકરોચ જનતા પાર્ટીએ દેખાવોની રૂપરેખા જાહેર કરી દીધી છે. આવનારા દિવસોમાં દેશભરમાં દેખાવો કરવામાં આવશે. આજે સીજેપી સાંજે 4 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ પાર્કના ગેટ નંબર 6 ની સામે દેખાવો કરશે. ત્યારબાદ આંદોલનને ધીમે ધીમે આખા દેશમાં આગળ વધારાશે. ત્યારબાદ જંતર મંતર પર દેખાવોની સાથે તેનું અંત થશે. સીજેપી નેતા દીપકેએ કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાંથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે.
જંતર મંતર પર વિરોધ પ્રદર્શન પહેલાં આપ નેતા સૌરભ ભારદ્વાજ અને કાર્યકર્તાઓની અટકાયત
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે જંતર મંતર પર પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા એકઠા થયેલા આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ અને અન્ય કાર્યકર્તાઓની દિલ્હી પોલીસે અટકાયત કરીને સ્થળ પરથી હટાવ્યા હતા.
દિલ્હીમાં 11 મેટ્રો સ્ટેશન બંધ કરાયા
CJPના દેખાવોને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં આજથી 11 મેટ્રો સ્ટેશન બંધ કરવાની જાહેરાત કરાઈ છે. ઠેર ઠેર બેરિકેડિંગ કરીને સૂચના આપવામાં આવી છે કે અહીં કલમ 163 લાગુ હોવાથી કરફ્યૂ જેવી સ્થિતિ રહેશે. એટલે કે 5 કે તેથી વધુ લોકોએ ભેગા ન થવું નહીંતર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

