‘ખોટા નંબર પર ફોન કર્યો છે, વિરોધ કરો’, અનામત બેઠકોની ફેરબદલીની માગ પર CJIની ટકોર

‘ખોટા નંબર પર ફોન કર્યો છે, વિરોધ કરો’, અનામત બેઠકોની ફેરબદલીની માગ પર CJIની ટકોર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સુપ્રીમ કોર્ટમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત રાખવામાં આવેલી ચૂંટણી બેઠકોની સમયાંતરે ફેરબદલી (Rotation) કરવાની માગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે હળવી શૈલીમાં ટકોર કરી હતી. તેમણે અરજદારને કહ્યું હતું કે, ‘તમે ખોટા નંબર પર ફોન કરી રહ્યા છો. અત્યારે વિરોધ પ્રદર્શન અને નારેબાજી માટે સારો સમય છે. તમે પણ એવું કરી શકો છો.’ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો ન્યાયતંત્ર કરતાં સંસદ અને ધારાસભાના કાર્યક્ષેત્રમાં આવે છે. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે SC/ST અનામત બેઠકોની ફેરબદલી ન થવાને પડકારતી અપીલ ફગાવી દીધી હતી. અરજદારે દલીલ કરી હતી કે કેટલીક બેઠકો 1972થી સતત અનામત છે. તેના કારણે ત્રણ-ચાર પરિવારો જ વારંવાર ચૂંટણી લડી શકે છે અને અન્ય ઉમેદવારો માટે તક મર્યાદિત થાય છે.

અરજદારની શું હતી માગ?

અરજદારે સીમાંકન પંચ (Delimitation Commission)ના 2008ના અહેવાલનો ઉલ્લેખ કરીને અનામત બેઠકોની સમયાંતરે ફેરબદલી કરવાની માગ કરી હતી. તેમનું કહેવું હતું કે લાંબા સમય સુધી એક જ બેઠક અનામત રહેવાથી મતદારોની પસંદગી મર્યાદિત થાય છે અને લોકશાહી પ્રક્રિયા પર અસર પડે છે. જોકે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મતદારો પાસે ઉમેદવારોની પસંદગીના વિકલ્પો મર્યાદિત હોઈ શકે છે, પરંતુ તેમનો મતદાન કરવાનો મૂળભૂત અધિકાર (Right to Vote) છીનવાતો નથી. જસ્ટિસ બાગચીએ કહ્યું કે અદાલત કોઈ કાયદાની જોગવાઈ મનસ્વી જણાય તો તેને રદ કરી શકે છે, પરંતુ બંધારણીય જોગવાઈઓમાં ફેરફાર કરીને નવી વ્યવસ્થા બનાવી શકે નહીં.

જાહેરાત

‘અમે સંસદની ત્રીજું ગૃહ બની શકીએ નહીં’

જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કહ્યું કે અદાલત સંસદના ત્રીજા ગૃહ (Third Chamber)ની ભૂમિકા ભજવી શકે નહીં. અનામત બેઠકોની ફેરબદલી અંગેનો નિર્ણય સંસદ અને બંધારણીય સત્તાધિકારીઓએ લેવાનો છે. કોર્ટે અરજદારને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવા અને રાજકીય સ્તરે ફેરફારની માગ કરવા જણાવ્યું હતું. સાથે જ સ્પષ્ટ કર્યું કે સીમાંકન અને અનામત બેઠકોની વ્યવસ્થા નક્કી કરવી એ વિધાનમંડળનો અધિકાર છે. તેથી હાઈકોર્ટના અગાઉના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ આધાર નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત