‘સત્ય બોલીશ તો તકલીફમાં પડી જઈશ...’- Brijbhushan Singhનું નિવેદન; અયોધ્યા રામ મંદિરમાં ચઢાવાની ચોરીનો મામલો ગરમાયો

Brij Bhushan Sharan Singh's Shocking Statement: અયોધ્યામાં રામ મંદિરના ચઢાવામાં ચોરીનો મામલો ગરમાયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો છે અને તેઓ સતત પ્રહારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ આકરા પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે રામ મંદિરમાં વિશેષ આસ્થા ધરાવતા અને મંદિર આંદોલનમાં ઉત્સાહભેર ભાગ લેનારા ભાજપના પૂર્વ સાંસદ અને બાહુબલી બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એવી વાતો કહી દીધી છે જેનાથી આ મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. તેમણે કહ્યું કે, 'જો હું સત્ય બોલીશ તો તકલીફમાં જઈશ.' તેમણે જે ઇશારો કર્યો છે તેના વિવિધ અર્થો કાઢવામાં આવી રહ્યા છે.
સત્ય બોલીશ તો તકલીફમાં પડી જઈશ: બ્રિજભૂષણ સિંહ
બ્રિજભૂષણ શરણ સિંહ દસ દિવસના દિલ્હી પ્રવાસ બાદ પોતાના ગૃહ જિલ્લા ગોંડા પહોંચ્યા ત્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગોસ્વામી તુલસીદાસની ચોપાઈ 'જિમી દસનન મહું જીભ બિચારી, સુનહુ પવનસુત રહનિ હમારી'નો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ચોપાઈ વિભીષણે બજરંગબલીને કહી હતી. વિભીષણે તેના દ્વારા પોતાની પરિસ્થિતિ વ્યક્ત કરી હતી. અમારી સ્થિતિ પણ એવી જ છે જેવી 32 કઠોર દાંતોની વચ્ચે કોમળ જીભ રહે છે. જ્યારે બ્રિજભૂષણને રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'તેમના પર બોલવું એ મારો વિષય નથી.'
પૂર્વ પ્રભારીના દાવાથી ખળભળાટ
રામ મંદિરના પૂર્વ લેખા પ્રભારી મહિપાલ સિંહના દાવાથી ભારે ખળભળાટ મચી ગયો છે. અખિલેશ યાદવના ચઢાવામાં ચોરીના આરોપો અને સોશિયલ મીડિયા પર સતત થઈ રહેલા પ્રહારો વચ્ચે મહિપાલ સિંહે એવું કહીને ખળભળાટ મચાવી દીધો છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ચઢાવામાં ચોરી થઈ રહી છે.
આ અંગેની જાણ ચંપત રાયને પણ કરવામાં આવી હતી. મહિપાલ સિંહે એવો પણ દાવો કર્યો કે, ફરિયાદ બાદ નોટોની ગણતરી થતી હતી તે રૂમના કેટલાય મહિનાના સીસીટીવી ફૂટેજ જ ડિલીટ કરાવી દેવાયા હતા. ચોરીની ફરિયાદ કર્યા બાદ કોઈ એક્શન લેવાને બદલે ઊલટાનું મહિપાલ સિંહને જ ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા.
મને જ ત્યાંથી હટાવી દેવાયો
વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા મહિપાલ સિંહે એ પણ જણાવ્યું કે, કઈ રીતે મેં નોટોમાં થઈ રહેલી આ ચોરીને પકડી હતી. તેમણે વિગત આપતાં જણાવ્યું કે, 'નોટોની ગણતરી માટે મંદિરના 14 લોકોની ડ્યુટી લગાવવામાં આવી હતી. બૅંકના બે અધિકારીઓ દરરોજ આ નોટોની થપ્પીઓ(ગડ્ડીઓ)ને બોક્સમાં ભરીને લઈ જતા હતા. નોટોની ગણતરી માટે એક ખાસ રૂમ બનાવવામાં આવ્યો હતો, જ્યાં સીસીટીવી કેમેરા પણ લાગેલા હતા. ગણતરી દરમિયાન પહેલા નોટોની થપ્પીઓ બનાવવામાં આવતી હતી. ત્યારબાદ દસ-દસ થપ્પીઓને એક સાથે બાંધીને બોક્સમાં રાખવામાં આવતી હતી. બૅંક અધિકારીઓ દસના બદલે 12 કે 13 થપ્પીઓ રાખી દેતા હતા અને વાઉચરમાં માત્ર દસ જ થપ્પી ચઢાવતા હતા. આ બોક્સ બહાર લઈ જઈને નોટોની આપસમાં વહેંચણી કરાતી હતી. એકવાર શંકા જતાં મેં બોક્સ ખોલાવ્યા અને ફરીથી ગણતરી કરાવી, તો તેમાં પાંચ લાખ રૂપિયા વધારે નીકળ્યા હતા. આ ઘટના બાદ જ મેં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હતી, જેનું નુકસાન મારે ભોગવવું પડ્યું અને મને ત્યાંથી હટાવી દેવામાં આવ્યો.'

