VIDEO: વૈશ્વિક વેપારમાં BRICS દેશોનો દબદબો: નિકાસ વધીને ૬ ટ્રિલિયન ડોલરે પહોંચી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આપ્યો નવો રોડમેપ
દિલ્હી ખાતે યોજાયેલા બ્રિક્સ બિઝનેસ ફોરમના લીડર્સ સેશનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વૈશ્વિક વેપાર મંચ પર બ્રિક્સ જૂથના વધી રહેલા પ્રભાવ અને આર્થિક તાકાત અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બ્રિક્સ સંગઠનની સતત વધતી પ્રાસંગિકતા તેના વેપાર પ્રદર્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.
વૈશ્વિક નિકાસમાં બ્રિક્સનો હિસ્સો બમણો થયો
પિયુષ ગોયલે આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં વિશ્વભરમાં બ્રિક્સ દેશોની મર્ચેન્ડાઇઝ (ચીજવસ્તુઓની) નિકાસ આશરે 900 અબજ ડોલર હતી, જે 2024 સુધીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવીને લગભગ 6 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. આ જબરદસ્ત વૃદ્ધિને પગલે વૈશ્વિક નિકાસમાં બ્રિક્સ દેશોની હિસ્સેદારી અગાઉના આશરે 12 ટકાથી વધીને હવે સીધી 24 ટકાએ પહોંચી ગઈ છે. આ વિસ્તરણ બ્રિક્સ બજારના વિશાળ કદ અને આગામી વર્ષોમાં વેપારને વધુ ઊંડાણપૂર્વક આગળ ધપાવવાની ક્ષમતાને સાબિત કરે છે.
સપ્લાય ચેઇન અને પરસ્પર વેપાર મજબૂત કરવાનો સમય
કેન્દ્રીય મંત્રીએ ભાવિ રણનીતિ અંગે ભાર મૂકતાં જણાવ્યું કે, હવે આપણું મુખ્ય લક્ષ્ય આ આર્થિક ગતિને બ્રિક્સ દેશો વચ્ચેના પરસ્પર વેપારને વધુ મજબૂત બનાવવામાં વાળવાનું છે. વૈશ્વિક પડકારો વચ્ચે વધુ સક્ષમ અને લવચીક સપ્લાય ચેઇનનું નિર્માણ કરવું પડશે, જેથી સભ્ય દેશોના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે નવી તથા વધુ મોટી વ્યાપારિક તકોનું સર્જન થઈ શકે.

