VIDEO: ‘BJP એટલે ભાગ જાઓ પાકિસ્તાન’, લખનઉમાં અખિલેશ યાદવનો ભાજપ અને સીએમ યોગી પર પ્રહાર
ઉત્તર પ્રદેશના લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે તાજેતરમાં જાપાની વિદ્યાર્થીઓ સાથે સીએમ યોગીની તસવીર સામે આવવા પર કટાક્ષ કરતા કહ્યું કે, જો જાપાની વિદ્યાર્થીઓએ થોડું રિસર્ચ કર્યું હોત તો કદાચ તેઓ મુખ્યમંત્રી સાથે સેલ્ફી લેવાની હિંમત ન કરત. અખિલેશે કટાક્ષ કર્યો કે આજે મુખ્યમંત્રી બાળકોને લાડ લડાવી રહ્યા છે, સરકાર ગયા પછી કદાચ તેમની પાસે આ જ કામ બાકી રહેશે.
ભાજપના સૂત્ર અને PDA પર નિશાન
ભાજપના સૂત્રો પર નિશાન સાધતા અખિલેશ યાદવે કહ્યું કે જો તેઓ ભાજપનો અર્થ કાઢે તો તેનો મતલબ ‘ભાગ જાઓ પાકિસ્તાન’ થાય છે. ભાજપ PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક) થી ગભરાઈ ગયું છે અને તેની વ્યાખ્યા બદલવાના પ્રયાસો કરી રહ્યું છે. સપા પ્રમુખે જણાવ્યું કે તેમના માટે PDA નો વાસ્તવિક અર્થ ‘પ્રેમ, દયા અને આપનાપણું’ છે, અને આ જ ભાવનાથી સમાજવાદી પાર્ટી તમામ વર્ગોને સાથે રાખીને આગળ વધશે.
સરકારની નીતિઓ અને મોંઘવારી પર સવાલો
અખિલેશે પોતાની સરકાર દરમિયાન સ્કૂલોમાં અક્ષયપાત્ર યોજના અંતર્ગત બાળકોને અપાયેલા ગરમ ભોજનને યાદ કરતાં વર્તમાન સરકારની આર્થિક નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, તરફ સરકાર માથાદીઠ આવક વધારવાના દાવા કરે છે, તો બીજી તરફ 15 કરોડ લોકોને મફત રાશન આપવું પડે છે. સરકાર નફા માટે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવી રહી છે અને તહેવારોના સમયે ખાંડના ભાવ વધારીને સામાન્ય જનતા પર બોજ નાખી રહી છે. પ્રયાગરાજમાં વિકાસના નામે ₹1 લાખ કરોડ ખર્ચાયા હોવા છતાં શહેરમાં જળભરાવની ગંભીર સમસ્યા યથાવત છે.
‘પરિવારવાદ’ના આરોપ પર વળતો પ્રહાર અને ગઠબંધન
ભાજપ દ્વારા લગાવવામાં આવતા પરિવારવાદના આક્ષેપો પર પલટવાર કરતા તેમણે કહ્યું કે ભાજપે અન્ય પક્ષોમાં સાંસદો તોડ્યા, પરંતુ સપામાં પરિવારના સભ્યો, મુસ્લિમ સાંસદો અને સાચા સમાજવાદીઓ એકતા સાથે જોડાયેલા હોવાથી ભાજપ તેમાં ગાબડું પાડી શકી નથી.
માયાવતીના નિવેદન અને ગઠબંધન અંગે તેમણે સ્પષ્ટતા કરી કે સપા ગઠબંધન તોડનારી પાર્ટી નથી પરંતુ સાથ નિભાવનારો પક્ષ છે. આ ઉપરાંત તેમણે કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીનો ઉલ્લેખ કરતા ભાજપ પર કટાક્ષ કર્યો કે ભાજપે તેના સાથી પક્ષોને વધારે બેઠકો આપવી જોઈએ, અને જયંત ચૌધરીની પાર્ટીને 120 બેઠકો મળવી જોઈએ, અન્યથા તે ચૌધરી ચરણ સિંહનું અપમાન ગણાશે.
પોતાની સુરક્ષા અને બુલેટપ્રૂફ જેકેટ અંગે અખિલેશે કહ્યું કે તેમને આવી કોઈ જેકેટ મળી નથી અને તેની જરૂર પણ નથી; જેને ખરેખર જરૂર હોય તેને સુરક્ષા મળવી જોઈએ.

