VIDEO: અમદાવાદમાં રોડ પર બિન્દાસ્ત કોપર વાયરની ચોરી કરતી ગેંગ પકડાઈ, શંકા ન જાય એટલે AMCનું જેકેટ પહેરતા હતા ચોરો
અમદાવાદમાં AMC કર્મચારીઓની ખોટી ઓળખ આપીને BSNLના કોપર વાયર ચોરી કરતી ટોળકીનો વાસણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રંગેહાથ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેષ યાદવ અને રાહુલ ભરવાડનો સમાવેશ થાય છે.
AMCના રેડિયમ જેકેટ પહેરી ચોરી કરતાં આરોપીઓ
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ AMCના કર્મચારીઓ હોવાની ખોટી ઓળખ આપતા હતા. તેઓ AMCના રેડિયમ જેકેટ પહેરીને ક્રેન સાથે રોડ પર પહોંચતા હતા. કોઈને શંકા ન જાય તે માટે તેઓ રોડ પર ટ્રાફિક મેનેજમેન્ટ કરતા હોવાનો દેખાવ કરતા હતા. ત્યારબાદ જાહેરમાં જ BSNLના ડક્ટ ખોલીને તેમાં રહેલા કોપર વાયર કાઢી ચોરી કરતા હતા.
7 લાખના કોપર વાયરની ચોરી કરી હોવાનું ખૂલ્યું
આ ટોળકીમાં 8થી વધુ લોકો સામેલ હોવાની પોલીસને આશંકા છે. અત્યાર સુધીની તપાસમાં આરોપીઓએ આશરે રૂ.7 લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. AMCના કર્મચારીઓ જેવા કપડાં પહેરીને ચોરી કરવાની રીતને કારણે સામાન્ય લોકોને પણ આરોપીઓ પર શંકા જતી નહોતી.
વાસણા પોલીસે ચાર આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે જ આ ગેંગમાં સંડોવાયેલા અન્ય સભ્યોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. પોલીસે ચોરીના અન્ય બનાવો અંગે પણ તપાસ શરૂ કરી છે.

