VIDEO: નીતિશ કુમારના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા પુલનો સ્પાન તૂટ્યો, ઘટના છૂપાવવા રાતોરાત કર્યું માટીથી પુરાણ
બિહારમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થ

બિહારમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યાં હતાં. થોડા દિવસ પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો. પુલ ધરાશાયી થવાનો મામલો હજુ ઠંડો પણ પડ્યો નથી કે સમસ્તીપુરમાં ફરી એક પુલ પડી ગયો છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો. ત્યાં હાજર લોકોમાં ભાગદોડ શરૂ થઈ ગઈ. આ ઘટના નંદની લગુનિયા રેલવે સ્ટેશન પાસે થઈ છે..
ગત રાત્રે થઈ દુર્ઘટના
સમસ્તીપુરના નંદની રેલવે સ્ટેશન નજીક બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કામ ચાલી રહ્યુ હતુ. રવિવારે મોડી સાંજે 2 પિલરની વચ્ચે સ્પાન રાખવામાં આવી રહ્યો હતો. ત્યારે અચાનકથી સ્પાન નીચે પડી ગયો. આ દુર્ઘટના બાદ ત્યાં હાજર લોકોમાં અફરા-તફરી મચી ગઈ. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.
દુર્ઘટનાના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન નિષ્ફળ
દુર્ઘટના બાદ ઘટના સ્થળે મોડી રાત્રે જ જેસીબીને બોલાવીને પુલના કાટમાળને માટીમાં દબાવી દીધો. તંત્ર આ સમાચારને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ આ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બેદરકારી સંતાડવા માટે તંત્રએ આ પગલું ઉઠાવ્યુ હતુ. જોકે સ્પેન પડવાથી નીતીશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.
નીતીશ કુમારનો ડ્રીમ પ્રોજેક્ટ
બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુનું કાર્ય ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. 2011માં આ પુલનો પાયો નાખવામાં આવ્યો હતો. 1603 કરોડના ખર્ચે બનનાર આ પુલનું કાર્ય 2016માં જ પૂરું થવાનું હતું પરંતુ 1000 કરોડથી વધુ ખર્ચ થવા છતાં પુલનું 60 ટકા કામ જ થઈ શક્યું છે. બખ્તિયારપુર-તાજપુર ગંગા મહાસેતુને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ્સમાં ગણવામાં આવે છે. જોકે પુલ બન્યા પહેલા જ ધરાશાયી થઈ ગયો છે.






