VIDEO: મહારાષ્ટ્રમાં મોટો રાજકીય દાવો: શરદ પવાર ગમે ત્યારે NDAમાં જોડાઈ શકે છે, આઠવલેએ કહ્યું- જો 2014માં આવ્યા હોત તો રાષ્ટ્રપતિ હોત
મહારાષ્ટ્રના રાજકારણમાં અવાર-નવાર ઉથલપાથલ અને રાજકીય ગરમાવો જામતો રહે છે. થોડા દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીના સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા હતા. હવે શરદ પવાર અને એકનાથ શિંદે વચ્ચે મુલાકાત થતા રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારના વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ NCPના સંસ્થાપક શરદ પવારને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, શરદ પવારને NDAમાં સામેલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અને તેઓ ગમે ત્યારે NDAમાં જોડાઈ શકે છે. તેમણે એવું પણ કહ્યું કે, જો શરદ પવાર 2014માં એનડીએમાં જોડાઈ ગયા હોત તો તેઓ રાષ્ટ્રપતિ બની ચૂક્યા હોત.
‘…તો શરદ પવાર ભારતના રાષ્ટ્રપતિ બની ગયા હોત’
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ANI સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘શરદ પવાર મહારાષ્ટ્રમાં સૌથી સન્માનિત નેતાઓમાંથી એક છે. તેમણે એનડીએમાં સામેલ થવા માટે અનેક વખત આમંત્રણ અપાયું હતું. જો તેઓ 2014માં સામેલ થઈ ગયા હોત તો કદાચ તેઓ ભારતના રાષ્ટ્રપતિ બની શકતા હતા.’
ઉદ્ધવ ઠાકરે ગદ્દાર, શિંદે નહીં : રાઉતની ટિપ્પણી પર આઠવલેનો જવાબ
તાજેતરમાં જ શરદ પવાર (Sharad Pawar) અને એકનાથ શિંદે (Eknath Shinde) વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી, જે અંગે રામદાસ આઠવલે (Ramdas Athawale)એ પ્રતિક્રિયા પણ આપી છે અને સંજય રાઉત (Sanjay Raut)ની ગદ્દારવાળી ટિપ્પણી પર જવાબ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘મને લાગતું નથી કે, શિંદેને ગદ્દાર કહેવા યોગ્ય છે. મારા મત મુજબ, સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેએ જનાદેશને દગો આપ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ 2019માં કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. હવે ઉદ્ધવના તે નિર્ણયનું પરિણામ આજે સામે આવી ગયું છે. ઉદ્ધવ ઠાકરે ગદ્દાર છે, શિંદે નહીં.’
પવાર-શિંદે વચ્ચે મુલાકાત બાદ રાજકારણમાં ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈએ NCP સ્થાપક શરદ પવારે વિધાન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ની કેબિનમાં પોતાની પાર્ટીની બેઠક યોજી હતી. પવાર-શિંદેની મુલાકાતથી શિવસેના યુબીટીને વાંધો પડ્યો હતો. હવે બંને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.
રાઉતે પવાર-શિંદે બેઠક પર શું કહ્યું હતું?
પવાર-શિંદેની મુલાકાત અંગે શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે કહ્યું કે, ‘મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયમાં શરદ પવારની બેઠક યોજાતા, શિવસેના યુબીટીને આઘાત લાગ્યો છે. આવી બાબતો શરદ પવાર જેવા વરિષ્ઠ નેતાની વિશ્વનીયતા ઘટાડે છે. આવી બેઠક ગદ્દારોનું સન્માન કરવા જેવી વાત છે.

