VIDEO: આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે મોટી કાર્યવાહી: FDAએ 10 આયુર્વેદિક કંપનીઓના લાઈસન્સ કર્યા રદ
મુંબઈમાં ૪૩૪ લાઇસન્સધારક આયુર્વેદિક દવા મેન્યુફેક્ચર એકમોની તપાસ કરવામાં આવી હતી. તેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ૧૩૫ મેન્યુફેક્ચરોનેકારણદર્શક નોટિસ (શા કોઝ નોટિસ)ફટકારવામાં આવી છે. જ્યારે ગંભીર ગેરરીતિ બદલ ૧૦ એકમોના લાઇસન્સ રદ કરી દેવાયા છે.
એફડીએની તપાસમાં અનેક ચોંકાવનારી ખામીઓ પ્રકાશમાં આવી હતી. કેટલાક એકમોમાં અસ્વચ્છ વાતાવરણ, લાયકાત ધરાવતા ટેકનિકલ સ્ટાફનો અભાવ અને ક્વોલિટી કંટ્રોલની નબળી વ્યવસ્થા જોવા મળી હતી. કાચા માલ અને તૈયાર દવાઓના યોગ્ય પરીક્ષણની સુવિધા પણ કેટલાક એકમોમાં નહોતી.
કેટલાક ઉત્પાદકો પાસે બેચ રેકોર્ડ, કાચા માલના રેકોર્ડ, માસ્ટર ફોર્મ્યુલા અને કંટ્રોલ સેમ્પલ ઉપલબ્ધ નહોતા. દવાઓના લેબલ પર ખોટી ઉત્પાદન તારીખ દર્શાવવાની ગેરરીતિ પણ સામે આવી હતી. જરૃરી મશીનરી, મંજૂર સાઇટ પ્લાન તથા ક્રોસ-કન્ટામિનેશન રોકવાની યોગ્ય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળ્યો હતો.
લાઇસન્સ રદ થયું છે તે કંપનીઓમાં બારામતીની કૃષ્ણ હર્બલ, ગોંદિયાની લાલશાહ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, ગોંદિયાની આદિત્ય ફાર્મા, ગોંદિયાની અંગારસ આયુર્વેદ પુણેની કાલિદાસ ગાંધી, નાશિકની શિવાનાથ આયુર્વેદિક પ્રોડક્ટ્સ, પુણેની ઇન્દુકે આયુર્વ ફાર્મા, અમરાવતીની હકીમ આયુર્વેદિક બ્યુટી કેર, ગોંદિયાની હિલેરિયસ આયુર્વેદ, ગોંદિયા અને નાશિકની યશોદા લેબ,નો સમાવેશ થાય છે.
એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આયુર્વેદિક દવાઓ લોકોના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલી છે. તેથી ઉત્પાદકોએડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ અધિનિયમ, ૧૯૪૦, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ નિયમો, ૧૯૪૫ તેમજ શેડયૂલ-ટી હેઠળના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ ના ધોરણોનું ઉત્પાદકોએ ચુસ્તપણે પાલન કરવું પડશે. દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરનાર ઉત્પાદકો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

