કુંભમેળાની રીલ્સ અને પોસ્ટ મૂકીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, પોલીસ એક્શનમાં

નાશિકમાં યોજાઈ રહેલ સિંહસ્થ કુંભમેળાનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું દર્શાવી લોકો સાથે છેતરપિંડીનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ નાશિક સાયબર પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સાયબર પોલીસે 'ઓફિશિયલ કુંભ નગરી નાશિક' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિંહસ્થ કુંભમેળાના વિવિધ કાર્યક્રમ અને રિલ્સ તેમજ પોસ્ટ મૂકવામાં આવતી હોવાનું નોંધ્યું હતું. આ ઉપરાંત આ પેજ સિંહસ્થ કુંભમેળા પ્રાધિકરણ, નાશિકનું ઓફિશિયલ પેજ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ રીતે આ બનાવટી એકાઉન્ટ દ્વારા નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવતું હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ વિગતના આધારે સાયબર પોલીસે અજાણ્યા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે બીએનએસની કલમ 204 અને આઇટી એક્ટની કલમ 66(ક) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. પોલીસે આ ઘટના બાદ લોકોને સર્તક રહેવાનું જણાવી વિનંતી કરી છે કે આગામી સિંહસ્થ કુંભમેળાના કાર્યક્રમોની માહિતી તેમજ આ સંદર્ભની વિવિધ સરકારી યોજનાની વિગતો માટે ફક્ત અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પર જ વિશ્વાસ રાખવાનું જણાવવામાં આવ્યું છે.











