મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શરમજનક ! પિકનિક પર ગયેલા સેનાના બે અધિકારીઓ પર હુમલો કરી ગર્લફ્રેન્ડ પર કર્યો બળાત્કાર 

મધ્યપ્રદેશના ઈન્દોરમાં મંગળવારે રાત્રે બે સેના અધિકારીઓ અને તેમની ગર્લફ્રેન્ડ સાથે જે બન્યું તે

શરમજનક ! પિકનિક પર ગયેલા સેનાના બે અધિકારીઓ પર હુમલો કરી ગર્લફ્રેન્ડ પર કર્યો બળાત્કાર 

મધ્યપ્રદેશના ઈન્દોરમાં મંગળવારે રાત્રે બે સેના અધિકારીઓ અને તેમની ગર્લફ્રેન્ડ સાથે જે બન્યું તે ખૂબ જ ભયાનક છે. અધિકારીઓ, તેમની બે મહિલા મિત્રો સાથે કારમાં ફરવા નીકળ્યા હતા, તેઓને મોડી રાત્રે એક નિર્જન સ્થળે બદમાશોએ બંધક બનાવી લીધા હતા. 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ દરમિયાન એક મહિલા પર સામૂહિક બળાત્કારનો પણ આરોપ છે. પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ઓળખ કરી છે. જેમાંથી બેની અટકાયત કરવામાં આવી છે.

ગ્રામીણ એસપી હિતિક વસલેએ જણાવ્યું કે, યુપીથી બે સૈન્ય અધિકારીઓ મહુની ઈન્ફન્ટ્રી સ્કૂલમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા.  બંને પોતાની ગર્લફ્રેન્ડ સાથે નાઈટ વોક માટે નીકળ્યા હતા. બદમાશોએ તેમને ઈન્દોરથી લગભગ 50 કિલોમીટર દૂર ઐતિહાસિક જામ ગેટ પાસે બંધક બનાવી લીધા હતા. પીડિતાનો દાવો છે કે બદમાશો એ બંદૂકની અણી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. સેનાના અધિકારીઓને સામાન્ય ઈજા થઈ છે.

ફરિયાદ અનુસાર, એક લેફ્ટનન્ટે જણાવ્યું કે તેઓ રાત્રે કારમાં મહુ-મંડલેશ્વર રોડ પર જામ ગેટ પાસેથી  અહિલ્યા ગેટ ગયા હતા. અહીં બંને પોતાના મિત્રો સાથે રાત્રે લગભગ 2:30 વાગ્યા સુધી પાર્ટી કરી રહ્યા હતા. એક અધિકારી તેની ગર્લફ્રેન્ડ સાથે કારમાં હતો, જ્યારે બીજો તેની મિત્ર સાથે જ અન્ય કારમાં હતો. ત્યારે 6-7 બદમાશો કાર પાસે આવ્યા હતા. તેમણે બંનેને બહાર કાઢ્યા. જ્યારે તેમની વચ્ચે ઘર્ષણ શરૂ થયું, ત્યારે અવાજ સાંભળીને અન્ય અધિકારી પણ તેની મિત્ર સાથે આવ્યો. 

ફરિયાદ મુજબ, હુમલાખોરોએ કારમાં રહેલા અધિકારી અને તેની મિત્રને બંદૂકની અણી પર બંધક બનાવી લીધા હતા. જ્યારે અન્ય અધિકારીને 10 લાખ રૂપિયાની ખંડણીની વ્યવસ્થા કરવા કહ્યું. અધિકારી તેના મિત્ર સાથે થોડે દૂર ગયો અને તેના કમાન્ડિંગ ઓફિસરને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. કમાન્ડિંગ ઓફિસરે પોલીસને જાણ કરી.

આ દરમિયાન બંધક બનાવાયેલી મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આરોપીઓ  જંગલ તરફ નાસી ગયા હતા. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને જંગલમાંથી બે આરોપીઓને ઝડપી લીધા હતા. અન્ય આરોપીઓની પણ શોધ ચાલી રહી છે. સવારે, પીડિતાનું મેડિકલ ચેકઅપ સિવિલ હોસ્પિટલ, મહુમાં કરવામાં આવ્યું હતું. બડગોંડા પોલીસ સ્ટેશનમાં કલમ 70 (સામુહિક બળાત્કાર), 310-2 (લૂંટ), 308-2 (ખંડણીની માંગણી) અને ભારતીય દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો