Video: અર્નબ બાદ વધુ એક વાવાઝોડાનો ખતરો! આગામી 48 કલાક અત્યંત મહત્ત્વપૂર્ણ

બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડા અર્નબની અસર હજુ પૂરી થઈ નથી ત્યાં જ વધુ એક નવી મોસમી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ અંદમાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં નવું લો-પ્રેશર સર્જાયું છે. હવામાન વિભાગ આ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે અને આગામી 48 કલાકમાં તે વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે તેવી પ્રબળ શક્યતા છે, જેના કારણે અનેક દક્ષિણી રાજ્યો પર નવું જોખમ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સળંગ ચોથું લો-પ્રેશર સર્જાયું છે જે વધુ તીવ્ર બની રહ્યું છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ નવું વાવાઝોડું 1 અથવા 2 નવેમ્બર સુધીમાં તમિલનાડુની રાજધાની ચેન્નઈના દરિયાકાંઠા સાથે ટકરાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હાલમાં તેને સત્તાવાર રીતે વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આગામી બે દિવસની સ્થિતિ અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે.






