Video: 100% ઈથેનોલથી ચાલતા વાહનો પર સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ: આટલો સપ્લાય ક્યાંથી લાવશો?

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે જો દેશમાં 100% ઈથેનોલથી ચાલતા વાહનોને મંજૂરી આપવામાં આવે, તો તેમની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઈથેનોલનો સપ્લાય કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવશે? સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે, આ સમગ્ર બાબતને માત્ર વાહનોના સંદર્ભમાં નહીં, પરંતુ વ્યાપક જનહિત, પર્યાવરણ અને ખાસ કરીને ખેડૂતોના આર્થિક સશક્તિકરણના દ્રષ્ટિકોણથી જોવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટની વિશેષ બેંચ ઈથેનોલ સપ્લાય વર્ષ 2025-26 માટે ઈથેનોલની ફાળવણી સંબંધિત અરજીઓની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન અદાલતે તાજેતરના અખબારી અહેવાલોનો ઉલ્લેખ કર્યો જેમાં 100 ટકા ઈથેનોલ વાહનોને લીલી ઝંડી આપવાની વાત કહેવામાં આવી હતી. અદાલતના પ્રશ્ન પર એટર્ની જનરલ આર. વેંકટરમણીએ જણાવ્યું હતું કે આ માટે મોટા પાયે મેન્યુફેક્ચરિંગ વ્યવસ્થામાં ફેરફારો કરવા પડશે.






