Video: અમેરિકાનો નવો ‘ટેરિફ બોમ્બ’: ભારત સહિત અનેક દેશો પર વધારાના ટેરિફની તૈયારી!

સોર્સ: gstv

વેપારની જંગમાં હવે ટેરિફ જ અમેરિકાનું નવું હથિયાર બનતું દેખાય છે. અમેરિકાએ ભારત સહિત અનેક દેશોના સામાન પર 25 ટકા સુધી ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ચીન માટે દર 40 ટકા સુધી વધારવાની યોજના છે. આ પ્રસ્તાવિત પગલાંથી વૈશ્વિક વેપાર અને રાજકીય જગ્યાએ ચર્ચા ગરમાઈ છે..

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના નવા પ્રસ્તાવ હેઠળ ભારત ઉપરાંત કંબોડિયા, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, મલેશિયા, તાઇવાન અને થાઇલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશો માટે 25 ટકા સુધીના ટેરિફની દરખાસ્ત છે. જોકે, અહેવાલમાં કેટલીક દેશવાર મર્યાદાઓ અને અલગ દરોનો પણ ઉલ્લેખ છે. બાંગ્લાદેશ, યુરોપિયન યુનિયન, જાપાન, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર માટે 20 ટકા સુધીના દર સૂચવાયા છે, જ્યારે વિયેતનામ માટે 35 ટકા સુધીનો દર પ્રસ્તાવિત છે. ચીન માટે 40 ટકા સુધીના ટેરિફની યોજના છે.

જાહેરાત

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના જણાવ્યા મુજબ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને બાંગ્લાદેશ માટે ટેરિફ દરો મહત્તમ 18 ટકા સુધી મર્યાદિત રહેશે. દક્ષિણ કોરિયા, તાઇવાન, યુરોપિયન યુનિયન, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ માટે મોસ્ટ ફેવર્ડ નેશન ડ્યૂટી સિવાય 15 ટકા દર લાગુ કરવાની દરખાસ્ત છે. ચીન માટે અગાઉથી લાગુ ટેરિફ ઉપરાંત 20 ટકા વધારાનો દર સૂચવાયો છે. બ્રાઝિલના પ્રસ્તાવિત ટેરિફ ફેરફારો અંગે 14 જાન્યુઆરી, 2027ના રોજ સુનાવણી યોજાવાની છે.

અમેરિકા આ ટેરિફ દ્વારા મોટા વેપારી ભાગીદારોની વધારાની ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતા પર નિયંત્રણ અને વેપાર ખાધ ઘટાડવા માંગે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસન એવા દેશો પર અગાઉથી લાગુ ટેરિફ વધારવાની તૈયારીમાં છે, જેમના પર સબસિડી અને સરકારી સહાયથી સ્થાનિક ઉદ્યોગોને ટેકો આપવાનો આરોપ છે. ઔદ્યોગિક સબસિડી અંગે મહિનાઓ સુધી ચાલેલી અમેરિકાની તપાસ બાદ આ પગલું સામે આવ્યું છે. અમેરિકાનું માનવું છે કે વિદેશી ઉત્પાદકોને નાણાકીય સહાયથી ઓછા ભાવે માલ બનાવવાનો અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પ્રમાણમાં વેચવાનો લાભ મળે છે. પરિણામે અમેરિકી ઉત્પાદકો માટે સ્પર્ધા મુશ્કેલ બને છે અને સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર નબળું પડી શકે છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો

જાહેરાત